‘દિશા’ દ્વારા સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાઓના ખેડબ્રહ્મા, પોશીના, દાંતા, અમીરગઢ, મેઘરજ અને વિજયનગર એમ છ તાલુકાના લગભગ 70 જેટલા યુવાન નાગરિકો માટે યોજાયેલી ‘નાગરિક શાળા’માં 2 ડીસેમ્બર 2025ના રોજ, ત્રણેક કલાક આપેલા વ્યાખ્યાનના મુખ્ય મુદ્દા આ રહ્યા:
[1] લોકશાહી એ સૌથી વધુ મૂલ્યવાન વહીવટી વ્યવસ્થા છે. એનું કારણ એ છે કે એ વ્યવસ્થામાં જ નાગરિકોને અધિકારો હોય છે, બીજી કોઈ પણ વ્યવસ્થામાં એ મૂળભૂત માનવ અધિકારો હોતા નથી. એ અધિકારો ન હોય તો આપણે જંતુ જેવા થઈ જઈએ.
[2] રાજાઓ હતા ત્યારે આપણે પ્રજા હતા. હવે રાજાઓ નથી, માટે આપણે પ્રજા નથી. હવે લોકશાહી છે અને એમાં આપણે નાગરિકો છીએ, પ્રજા નહીં. પ્રજાને કોઈ હક હોતો નથી, નાગરિકોને હક હોય છે. આજે દુનિયામાં જ્યાં પણ રાજાશાહી કે તાનાશાહી છે ત્યાં હકીકતમાં લોકો પ્રજા છે, નાગરિકો નહીં. આપણે નાગરિક બની રહેવા માટે મહેનત કરવી પડશે. આપણે પ્રજાસત્તાક નથી, આપણે નાગરિકસત્તાક છીએ.
[3] આપણે 1950માં બંધારણ બનાવીને આપણી જાતને આપણે પ્રજામાંથી નાગરિક બનાવી છે. હવે આપણે ફરી પ્રજા થઈ જઈએ નહીં એનું ધ્યાન રાખવાની જવાબદારી આપણી પોતાની છે.
[4] ભારતનું બંધારણ એક એવો કાયદો છે કે જેમાં આપણા અધિકારો આપણે લખેલા છે અને તેથી ચૂંટાયેલા લોકોની એ ફરજ છે કે તેઓ આપણા અધિકારોનું રક્ષણ કરે. આજકાલ આપણને આપણી ફરજોની યાદ અપાવવામાં આવે છે ત્યારે આપણે નેતાઓને આપણા અધિકારોનું રક્ષણ કરવાની એમની ફરજની યાદ આપવાની જરૂર છે.
[5] રાજાઓ ગયા પણ ઘણા ચૂંટાયેલા નેતાઓ આજકાલ રાજાની જેમ વર્તે છે. અબજો રૂપિયાનો બેફામ ખર્ચ કરે છે. એ આપણા પૈસા છે. સરપંચ હોય કે વડા પ્રધાન, જે રાજાની જેમ વર્તે એને એમના ઘરમાં બેસાડી દેવાની નાગરિકોની ફરજ છે. એ ફરજ ચૂકીશું તો લોકશાહી સામે ખતરો ઊભો થશે.
[6] પંચાયતોમાં આપણે સ્વશાસન ઊભું કરવાનું છે. પંચાયતો એ સ્થાનિક સ્તરની સરકાર છે એમ બંધારણ કહે છે. જો ગ્રામ પંચાયતો લોકોની ભાગીદારીથી ચાલતી થશે તો જ લોકશાહી મજબૂત થશે. પણ ગુજરાત સરકાર ઈચ્છતી જ નથી કે સરપંચો એમ સમજે કે ગ્રામ પંચાયત એ ગામની સરકાર છે. એને ખરેખર સરકાર તરીકે કામ કરવા દેવામાં આવતું નથી. પંચાયતો રાજ્ય સરકારની ગુલામડી અને બિચારીબાપડી કરી દેવાઈ છે.
[7] આપણો હજારો વર્ષોનો ઇતિહાસ રાજાશાહીનો ઈતિહાસ રહ્યો છે. માત્ર 75 વર્ષથી જ આપણે લોકશાહીમાં શ્વાસ લઈ રહ્યા છીએ. એ શ્વાસ રૂંધાઈ ન જાય તેની કાળજી રાખવાની છે. એ કાળજી ત્યારે જ રાખી કહેવાય કે જ્યારે આપણે સરકારને સવાલો પૂછીએ. સરકારને સવાલ પૂછનાર દેશદ્રોહી નથી, સવાલનો જવાબ ન આપનાર સરકાર દેશદ્રોહી છે.
[8] જે નાગરિક સરકારને સવાલ નથી પૂછતો, સરકારની ટીકા કરતો નથી, એ પ્રજા બની જાય છે, નાગરિક રહેતો જ નથી. ઘણી વાર તો એની ખબર એને પોતાને પણ પડતી નથી કે એ પ્રજા બની ગયો! સાચવો, આપણને નાગરિકમાંથી પ્રજા બનાવી દેવાનું મસમોટું કાવતરું ચાલી રહ્યું છે. [સૌજન્ય : પ્રો. હેમંતકુમાર શાહ 2 ડિસેમ્બર 2025. કાર્ટૂન : સતિષ આચાર્ય/ મંજુલ]
BY: રમેશ સવાણી











