વલસાડ: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના લોકસભા સાંસદ શ્રી ધવલ પટેલ (વલસાડ-ડાંગ) આજે સંસદ ભવનમાં પોતાના આદિવાસી સમાજનો પરંપરાગત પોશાક પહેરીને પહોંચ્યા હતા અને દેશના સર્વોચ્ચ મંચ પર આદિવાસી સંસ્કૃતિનું ગૌરવપૂર્વક પ્રદર્શન કરીને ઐતિહાસિક ક્ષણ સર્જી હતી.
સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે, “આજે સંસદમાં આદિવાસી પરંપરાગત પોશાક પહેરવો મારા માટે માત્ર એક પહેરવેશ નહીં, પણ પોતાના મૂળ, પોતાની સંસ્કૃતિ અને પોતાની ઓળખને ગર્વ સાથે રાષ્ટ્રીય મંચ પર લઈ જવાની ક્ષણ છે. આ પોશાક આદિવાસી સમાજની સમૃદ્ધ વિરાસત અને ભારતની વિવિધતાનું પ્રતીક છે. સંસદમાં આ પોશાક પહેરવો મારા માટે અત્યંત ગૌરવની વાત છે.”
સંસદ ભવનમાં પહોંચતાં જ અનેક સાંસદોએ ધવલ પટેલના આ પહેરવેશની પ્રશંસા કરી હતી અને તેમને પ્રોત્સાહન આપી બિરદાવ્યા હતા. આદિવાસી સાંસદ તરીકે પોતાની સાંસ્કૃતિક ઓળખને સંસદ જેવા પવિત્ર મંચ પર લઈ જવાની આ ઘટનાને ગુજરાતના આદિવાસી સમાજમાં ખુશીની લાગણી વ્યાપી છે.











