ગુજરાત: કદાચ ગુજરાતના ઇતિહાસમાં દારૂની ચર્ચાનો વિષય આટલો લોકપ્રિય અગાઉ ક્યારેય બન્યો નથી. આ સંદર્ભે, થોડી માહિતી અહીં રજુ કરું છું. અમદાવાદ પોલીસ દર બીજી મિનિટે દારૂની એક બાટલી પકડે છે. 2024ના વર્ષ દરમિયાન અમદાવાદ પોલીસે 3,00,600 ભારતમાં નિર્મિત વિદેશી (સંપૂર્ણ સ્વદેશી નહિ હોં કે) દારૂની બાટલીઓ પકડી હતી. પકડાયેલ આ દારૂની કિંમત 5,78,00,000 રૂપિયા થાય છે. આ સમય દરમિયાન ગુજરાત રાજ્યમાં દારૂની 82,00,000 બાટલીઓ પકડાઈ છે જેની કિંમત 144 કરોડ રૂપિયા થાય છે. નહિ પકડાયેલ દારૂની બાટલીઓની આધારભૂત માહિતી મેળવવાનું ભગવાન માટે પણ શક્ય નથી !
2024ના વર્ષ દરમિયાન ભારતમાં બનેલ વિદેશી દારૂના મામલાઓમાં 2139 અને સ્વદેશી દારૂના 7796 કેસો નોંધાયા હતા. આ કેસોમાં રૂપિયા 55,45,000નો 1,58,000 લીટર દારૂ પકડાયો હતો. આ મામલે ટોચનું સન્માન વડોદરા, બીજે નંબરે સુરત અને ત્રીજા નંબરે નવસારી અને ગોધરાના ફાળે જાય છે ! 2021થી અત્યાર સુધીમાં ગુજરાત પોલીસે અંદાજે રૂપિયા 16,155 કરોડ રૂપિયાની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ પકડયું છે.
2021માં દારૂબંધી અને નશીલા પદાર્થના સેવનને લગતા કાયદા હેઠળ ભારતમાં 10,93,000 કેસો નોંધાયા છે. આમાંથી ગુજરાતમાં 2,84,000; અને બીજા ક્રમે તામિલનાડુમાં 2,15,000 કેસો નોંધાયા છે.
2020ની સાલમાં પ્રથમ ક્રમે ગુજરાતમાં 2,42,000 અને બીજા ક્રમે તામિલનાડુમાં 1,68,000 કેસો નોંધાયા હતા. 20121માં પણ ગુજરાતે પોતાનો પ્રથમ ક્રમ જાળવી રાખી 2,83,000 કેસો નોંધ્યા હતા.
આટલી મોટી સંખ્યામાં કેસો નોંધાયા તો સજા કેટલાને થઇ? 2016ની સાલમાં સૌથી વધુ કેસ નોંધવામાં ગુજરાત આવે છે અને સૌથી ઓછા લોકોને સજા થઇ તેમાં પણ ગુજરાત મોખરે આવે છે ! માત્ર 1 કેસમાં સજા થઇ. આ ધબડકા માટેનો યશ નિષ્ણાતો પોલીસ તપાસને આપે છે. ગુજરાત માટે શરમજનક હકીકત એ છે કે 7 કરોડની વસતી ધરાવતા ગુજરાત સામે માત્ર 12 લાખ 60,000 ની વસ્તી ધરાવતા મિઝોરમ રાજ્યમાં આવા જ કેસોમાં 72 કેસોમાં અદાલતે સજા ફટકારી છે.
આટલા બધા કેસો નોંધાય તેમાં આરોપીને ન મારવા માટે, ન પકડવા માટે, સજા ન થાય તેવી તપાસ કરવામાં, કેટલા પૈસાનો તોડ થયો તેના આંકડા તો 33 કરોડ દેવતામાંથી એક પણ નહીં આપી શકે ! દારૂબંધીનો કોઈ ફાયદો ખરો? ન્યુયોર્ક ટાઈમ્સમાં ગીતા આનંદે જણાવ્યું છે કે, દારૂબંધીના એક વર્ષ બાદ બિહારમાં ખૂન અને ધાડ પાડવાના ગુનામાં 20% , હુલ્લડોના કેસમાં 13 % અને ટ્રાફિકને લગતા ગુનાઓમાં 10 % ઘટાડો નોંધાયો છે.
એક સવાલ એ જરૂર થાય કે સમગ્ર ભારતમાં દારૂબંધી કેમ નથી? કારણ દારૂમાંથી થતી આવક છે. 2015-16ના વર્ષ દરમિયાન દારૂમાંથી કરવેરા સ્વરૂપે રાજયમાં આવક થઇ તેના આંકડા (ઇન્ડિયા ટુડે ના અહેવાલ મુજબ) આ મુજબ છે :તામિલનાડુ : 19672 કરોડ, હરિયાણા : 19703 કરોડ, મહારાષ્ટ્ર : 18000 કરોડ, કર્ણાટક : 15332 કરોડ, ઉત્તર પ્રદેશ : 14083 કરોડ, તેલંગાણા : 12144 કરોડ, આંધ્રપ્રદેશ : 12739 કરોડ, મધ્યપ્રદેશ : 7926 કરોડ, રાજસ્થાન : 5585 કરોડ, પંજાબ : 5000 કરોડ (અંદાજે)
મારો મિત્ર અને સાથી ગગન સેઠી કહે છે તે મુજબ ગુજરાતમાં બધા સુખી છે. દારૂબંધી (કાગળ પર) છે એટલે ગાંધીવાદીઓ ખુશ છે, લોકોને જોઈએ તેટલો દારૂ પીવા ગામેગામ મળે છે એટલે લોકો પણ ખુશ છે અને પોલીસ અને રાજકારણી આ ગેરકાયદે ધંધામાંથી મબલખ કમાય છે એટલે એ પણ ખુશ છે !
ચૂંટણી ટાણે દારૂ વહેંચાય છે ખરો? ત્યારે રાજકારણીઓના પટ્ટા ઉતારવાની કોઈ વાત નથી કરતું કારણ કે તેઓ પટ્ટા પહેરતા નથી. 2019ની સામાન્ય ચૂંટીઓ દરમિયાન ચૂંટણી પંચ દ્વારા ભારતમાં પકડાયેલ દારૂની (મતદારોને વહેંચવા માટેનો દારૂ) કિંમત 44 મિલિયન ડૉલર હતી એટલે કે 3,92,83,04,600 રૂપિયા. આ દારૂમાં ગુજરાતનો હિસ્સો 65,00,000 લીટર હતો અને દેશમાં તે છઠ્ઠા ક્રમે આવ્યું હતું. (રોઈટર્સનો અહેવાલ)
દુઃખી કોણ? સ્ત્રીઓ અને બાળકો. દલિત શક્તિ કેન્દ્રમાં ભણવા આવતી ઘણી છોકરીઓ વાતવાતમાં રડી પડે છે કારણ તેમની મા અને સ્ત્રીઓ ઘરમાં દારૂ હોવાથી માર ખાય છે, અપમાનિત થાય છે અને ગંદીમાં ગંદી ગાળોથી નવાજિત થાય છે.
ભારતની સામાન્ય પ્રજા ભોટ છે. સરકાર ઘરના પુરુષોને દારૂ પીવડાવે છે અને એમાંથી સરકારને આવક થાય તેમાંથી તે જ ઘરની સ્ત્રીઓને ચૂંટણી ટાણે ‘લાડલી બેન’ની બિલાડીના ટોપ જેવી ઉગાડેલ યોજનામાં પૈસા આપે છે. અંતે ઘીના ઠામમાં ઘી પડે છે. પુરુષ ખુશ, સ્ત્રી ખુશ અને ચૂંટણી જીતી જતી સરકાર પણ ખુશ. આ બધામાં કાયદો અને વ્યવસ્થા જેના શિરે છે તે પોલીસનો કાન કોણ આમળે?
છેલ્લે વાત કરવી છે ગુજરાતની પાટનગરની મધ્યે આવેલ ગિફ્ટ સિટીની. પાટનગરમાં મહાત્મા મંદિર અને પરવાનગીવાળો દારૂ બંને સહઅસ્તિત્વ ધરાવે છે. 31 જાન્યુઆરી 2025ના રોજ મુખ્યમંત્રીએ વિધાનસભામાં આપેલ જવાબ પ્રમાણે ગિફ્ટ સિટીમાં આ નવી નીતિ આવી ત્યારથી 3324 લીટર વિદેશી દારૂ, 470 લીટર વાઈન અને 19915 લીટર બિયરનું વેચાણ થયું છે. એમાંથી સરકારને કર પેટે રૂપિયા 94,19,000 ની આવક થઇ છે. ‘સ્વદેશી’ અપનાવવાના સરકારી પ્રચારતંત્રમાંથી ગિફ્ટ સિટી અપવાદ છે. કારણ આ ‘લીલા’ કહેવાય અને ગરીબો પીવે તેને?
2017માં નવસર્જને ગુજરાતના મુખ્યમંત્રીને એક લીટીનું આવેદન પત્ર આપી પડકાર ફેંકેલો કે તમારા વિકાસના કારણે ગુજરાતના 18000 ગામોમાંથી એક ગામનું નામ આપો કે જ્યાં આભડછેટ નાબૂદ થઇ હોય. તે નહોતો આપી શક્યા. આજે ‘એકતા યાત્રા’માં અતિવ્યસ્ત મુખ્યમંત્રીને પ્રશ્ન પૂછીએ કે ગુજરાતના એક ગામનું નામ આપો કે જ્યાં દારૂ નથી પીવાતો અને એવું પોલીસમથક બતાવો કે જ્યાં ભ્રષ્ટાચાર નથી થતો તો તેમનો જવાબ શું હશે ? [સૌજન્ય : માર્ટિન મૅકવાન, 27 નવેમ્બર 2025]
BY: રમેશ સવાણી











