અમદાવાદ: ગતરોજ અમદાવાદમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં રાજ્યના મંત્રી અને ભાજપના નેતા જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરના રાજકીય જીવનનો ઉલ્લેખ કરીને આકરા પ્રહારો કરતાં કહ્યું કે, જ્યારે બાબાસાહેબ આંબેડકર લોકસભાની ચૂંટણી લડ્યા હતા, ત્યારે વિપક્ષી દળો દ્વારા ષડયંત્ર રચીને તેમના 73,000 જેટલા મત રદ કરાવ્યા હતા.

Decision news ને સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ તેમણે આક્ષેપ કર્યો કે આ પગલા દ્વારા બાબાસાહેબને લોકસભામાં જતા અટકાવવામાં આવ્યા હતા અને આ પાછળ કોંગ્રેસનો હાથ હતો.  તેમણે કોઈનું નામ લીધા વગર કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણી પર પણ પ્રહાર કર્યા હતા.

વિશ્વકર્માએ જાહેરમાં પડકાર ફેંકતા કહ્યું હતું કે, “આજે જેઓ સમાજનો ઠેકો લઈને ફરતા હોય, તેમને પૂછજો કે 73 હજાર મત કોણે રદ કરાવ્યા હતા ? જાહેરમાં મોટેથી બોલવાથી હકીકત છુપાતી નથી.” વિશ્વકર્માએ ભારપૂર્વક જણાવ્યું કે, કેટલાક લોકો સંવિધાનના નામે રાજકારણ કરી રહ્યા છે, પરંતુ તેમણે ભૂતકાળમાં ડૉ. આંબેડકર સાથે કેવો વ્યવહાર કર્યો હતો તે હકીકત જનતા સમક્ષ આવવી જોઈએ.