ઉમરગામ: વિશ્વના સૌથી મોટા લોકતંત્રને સૌથી મજબૂત લોકતંત્ર બનાવવાના સંકલ્પ સાથે વલસાડ લોકસભા વિસ્તારના ઉમરગામ વિધાનસભા વિસ્તારમાં મતદાર જાગૃતિ માટે ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવતા મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત સાંસદ ધવલ પટેલે ઉમરગામના બુથ નંબર ૨૦૭, ૨૦૮ અને ૨૦૯ના મતદારો સાથે સીધી સંવાદ બેઠક યોજી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ આ બેઠકમાં તેમણે SIR (Systematic Voters’ Education and Electoral Participation) કાર્યક્રમનું મહત્વ સમજાવતાં મતદારોને મતદાર યાદીમાં નામ નોંધણી, સુધારા અને કાઢી નાખવા માટેની પ્રક્રિયા વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું. સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે, “મતદાર યાદીમાં નામ હોવું એ માત્ર અધિકાર નથી, એ આપણી ફરજ પણ છે. એક પણ મતદારનું નામ ખોટું કે ગેરહાજર ન રહે એ માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે. આ ફોર્મ ભરવું ખૂબ જ સરળ છે – બસ થોડીક જાગૃતિ અને જવાબદારીની જરૂર છે.”
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો અને મહિલાઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ઘણાએ ત્યાં જ ફોર્મ-૬, ફોર્મ-૭ અને ફોર્મ-૮ ભરીને પોતાની માહિતી અપડેટ કરાવી હતી. સાંસદશ્રીએ અપીલ કરી કે, “આપનો એક નાનો પ્રયાસ – એક ફોર્મ – ભારતની લોકશાહીને વધુ મજબૂત અને પારદર્શક બનાવશે. ચાલો, આપણે સૌ સાથે મળીને વિશ્વનું સૌથી મજબૂત લોકતંત્ર બનાવીએ.”











