દાહોદ: અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર–કેવડિયા જોડતા રેલવે માર્ગના નિર્માણ કાર્ય દરમિયાન તિલકવાડા રેલવે જંકશન માં ગઈકાલે થયેલી દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે બે શ્રમિકોના કરંટ લાગવાથી દુઃખદ મોત થયા છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે મોતની આ ઘટના બાદ સંબંધિત કોન્ટ્રાક્ટર તથા એજન્સીએ કોઈ જવાબદારી ન સ્વીકારી હોય અને “અત્યારે બહાર છીએ” જેવા ખોટા કારણો આપી પલોખું વલણ દાખવ્યું છે. મૃત શ્રમિકોમાં ડામોર ગોવિંદભાઈ મનુભાઈ (ઉંમર 22), ગામ ભીલોઈ અને વિજયભાઈ બાબુભાઈ મેડા, ગામ બોરિયાલા, તાલુકો ગરબાડા, જિલ્લો દાહોદ નો સમાવેશ થાય છે. આ બંને પરિવાર ગરીબ છે, જેમાંથી એક બહેન પ્રેગનેન્ટ છે અને એક બહેનના 6 મહિનાનું બાળક છે, જે કારણે પરિવાર પર આ ભારે દુઃખ અને આર્થિક સંકટ તૂટી પડ્યું છે.
આ ઘટનાસ્થળે આદિવાસી નેતા નિરંજન વસાવાએ પરિવારજન તથા ગરબાડા તાલુકાના સરપંચોની મુલાકાત લઈને સંવેદના વ્યક્ત કરી હતી. સાથે જ મૃતક પરિવારોને યોગ્ય વળતર, જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી અને ન્યાય મળે તેની સ્પષ્ટ માંગણી કરી હતી. જો તાત્કાલિક ન્યાય નહીં મળે, તો લોકો દ્વારા મૃતદેહ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લઈ જઈને ત્યાં ન્યાય માટે આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.









