ધરમપુર: વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાએ પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મોટું પરાક્રમ કર્યું છે. શાળાના 353 વિદ્યાર્થીઓ અને સમગ્ર શિક્ષક પરિવારે સંયુક્ત પ્રયાસો કરીને 1100થી વધુ ઈકો બ્રિક્સ બોટલ (સિંગલ યુઝ પ્લાસ્ટિક ભરેલી બોટલ) બનાવીને શાળાને સંપૂર્ણપણે પોલીથીન પ્લાસ્ટિક મુક્ત જાહેર કરી છે. શાળાના આ અમૂલ્ય યોગદાન બદલ તેને વર્લ્ડ વાઇડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ માં ગૌરવપૂર્ણ સ્થાન એનાયત કરવામાં આવ્યું છે.
બાળકોએ ચોકલેટના બદલે અનાજ લાવવાની પહેલ કરી:
આ સિદ્ધિ ‘મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા’ મહાઅભિયાનનો ભાગ છે. આ અભિયાનનો મુખ્ય હેતુ બાળકોને તેમના જન્મદિવસ કે અન્ય શુભ પ્રસંગે ચોકલેટના પડીકાંના બદલે મુઠ્ઠી અનાજ પક્ષીઓને આપવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આનાથી પર્યાવરણની જાળવણી સાથે બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો થયો અને વાલીઓના નાણાંની પણ મોટી બચત થઈ.
રાજ્યભરમાં 2 લાખથી વધુ બાળકો જોડાયા:
આ પ્રેરણાદાયક અભિયાન ખેડાના શ્રી મિનેષ પ્રજાપતિ (આચાર્ય) અને શ્રી પુલકુતભાઇ જોશી (મદદનીશ સચિવ)ની આગેવાની હેઠળ રાજ્યભરમાં વિસ્તૃત થયું છે. અત્યાર સુધીમાં 3000 શાળાઓના 2 લાખથી વધુ બાળકો આ પહેલમાં જોડાયા છે, જેમણે 5 લાખથી વધુ ઈકો બ્રિક્સ એકત્ર કરીને પુનઃઉપયોગનો માર્ગ મોકળો કર્યો છે. વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાની આ સિદ્ધિ હવે ગુજરાતની અન્ય શાળાઓ માટે પણ ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ માં સ્થાન મેળવવા માટે પ્રેરણા સ્ત્રોત બની છે. જે આજે સરપંચશ્રી દિવ્યાંગભાઈ પટેલ અને શિક્ષણવિદ શ્રી વિઠ્ઠલભાઈ ગરાસિયા દ્વારા પ્રમાણપત્ર અને મેડલ શાળાને અર્પણ કરાયા હતા.











