ડેડીયાપાડા: છેલ્લાં કેટલાંક દિવસથી ડેડીયાપાડા તાલુકાના ખેડૂતો એક અનોખી મુશ્કેલી અનુભવી રહ્યા છે. ડેડીયાપાડા APMC માર્કેટ હાલ બંધ હોવાથી ખેડૂતોને પોતાનો પાક (ખાસ કરીને મકાઈ, કપાસ અને અન્ય અનાજ) ખાનગી વેપારીઓને ખૂબ જ નીચા ભાવે વેચવો પડી રહ્યો છે. ઘણી વખત બજારભાવ કરતાં 20 થી 30 ટકા ઓછા ભાવે વેચાણ કરવું પડે છે, જેનાથી ખેડૂતોની આર્થિક હાલત કફોડી બની છે.
ડેડીયાપાડાના ખેડૂતો સાથે વાત કરતાં DECISION NEWS જણાવ્યું કે હાલમાં એક સરકારી-સહકારી પહેલ ખેડૂતો માટે મોટો આધાર બની છે. ભરૂચની પ્રખ્યાત દૂધધારા ડેરી દ્વારા સંચાલિત ડેડીયાપાડા કેટલફીડ પ્લાન્ટ હાલમાં ખેડૂતોને બજારભાવ કરતાં નોંધપાત્ર ઊંચો ભાવ આપી રહ્યો છે. આ પ્લાન્ટ મકાઈ અને અન્ય અનાજની સીધી ખરીદી કરે છે અને તેનો ઉપયોગ પશુઆહાર બનાવવા માટે થાય છે. આ ઊંચા ભાવના કારણે ખેડૂતોમાં આ પ્લાન્ટ પાસે પોતાનું નામ નોંધાવવા માટે અસાધારણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરરોજ મધરાતે 12 વાગ્યાથી જ ટ્રેક્ટર, ટ્રક અને બળદગાડાંઓની કિલોમીટરો લાંબી લાઈન લાગી જાય છે. કેટલાક ખેડૂતો તો રાતના 10 વાગ્યાથી જ પોતાના વાહનો લઈને આવી જાય છે જેથી સવારે નામ નોંધાવવાનો વારો મળી જાય. “અહીંયા બજાર કરતાં 400-500 રૂપિયા વધુ મળે છે એટલે રાતે લાઈન લગાવીએ છીએ. નહીં તો વેપારીઓ નીચા ભાવે લઈ લે છે,”
આ કેટલફીડ પ્લાન્ટ દરરોજ હજારો ક્વિન્ટલ અનાજની ખરીદી કરે છે, જેનો સીધો લાભ આદિવાસી બહુલ વિસ્તારના હજારો ખેડૂતોને મળી રહ્યો છે. જોકે પ્લાન્ટની ક્ષમતા મર્યાદિત હોવાથી દરેક ખેડૂતને દરરોજ વેચાણનો વારો નથી મળતો, જેના કારણે આ મધરાતની લાઈનોનું દૃશ્ય સર્જાયું છે. ખેડૂતોની માંગ છે કે APMC માર્કેટ ઝડપથી શરૂ થાય અથવા તો આવા વધુ કેટલફીડ પ્લાન્ટ કે સરકારી ખરીદી કેન્દ્રો ઊભા કરવામાં આવે, જેથી તેમને ન્યાયી ભાવ મળે અને મધરાતની લાઈનની મજબૂરી ન રહે.











