ગુજરાત: એક જ ગલીનાં કૂતરા એક બીજાને ભસતા નથી; એમ ગુજરાતી પત્રકારત્વમાં એક વણલખ્યો નિયમ છે કે એક અખબારના પત્રકાર કે તંત્રી બીજા અખબારના પત્રકાર કે તંત્રીના ભ્રષ્ટાચાર અંગે કશું છાપતા નથી; કારણ કે હમામમાં સૌ દિગમ્બર ! આ નિયમ 1985 માં સમકાલીનના સ્થાપક તંત્રી હસમુખ ગાંધીએ તોડ્યો હતો. એમણે સમકાલીનમાં પહેલે પાને આઠ કોલમમાં હેડિંગ ફટકાર્યું હતું : ‘ડર્ટી ડઝન આર્થિક પત્રકારો’ જેમાં 12 આર્થિક પત્રકારોના ભ્રષ્ટાચારને દરેક પત્રકારના નામ સાથે વિગતો છાપી હતી. જેમાં ઇન્ડિયન એક્સપ્રેસના આર્થિક પત્રકારનું નામ પણ હતું. ત્યારબાદ ગોએન્કાજીએ એ પત્રકારને નોકરી માંથી કાઢી મૂક્યો હતો. હવે નથી રહ્યા હસમુખ ગાંધી જેવા તંત્રી કે રામનાથ ગોએન્કા જેવા માલિક. આ બન્ને ન ભૂતો ન ભવિષ્યતિ.

સી. આર. પાટીલ ભાજપના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે પત્રકારો મોંઘી ભેટ લેવા દિવાળી પર પડાપડી કરતા હતા. લાઈનમાં ઊભા રહે અને ભેટ ન મળી હોય તો બેશરમ થઈ ફોન કરી માંગી પણ લે ! આવા પત્રકારો કોર્પોરેટ કંપનીઓના ભ્રષ્ટાચાર/ તેમની ગેરરીતિઓ વિશે લખી/ બોલી શકે?

સત્તા (સરકાર, રાજકીય પક્ષો, મોટા કોર્પોરેટ, સ્થાપિત હિતો) પત્રકારોને લખતા અટકાવે છે. મીડિયા માલિકોને સરકારી/ ખાનગી જાહેરખબર આપીને સત્ય લખતાં અટકાવે છે. સત્ય દબાવી દેવાની અનેક રીતો છે. તેમાં એક રીત છે મોંઘા ભોજનિયા પીરસવાની !

18 નવેમ્બર 2025ના રોજ, ગાંધીનગરમાં બપોરે આશરે 500થી વધુ પત્રકારો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્નેહમિલનનો કાર્યક્રમ રાખેલ. સ્નેહમિલન તો નામ પણ પત્રકારોનો કોઠો ઠંકો કરવાનો આ ભોજન સમારંભ હતો. ત્યાં મંચ પર મુખ્યમંત્રી સાથે ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હતા. એટલે આ સરકારી સ્નેહમિલન હતું કે ભાજપનું એ કહી શકાય તેમ નથી. ત્યાં જે મોંઘું ભોજન પીરસાયું તેનું બિલ કોણ ચૂકવે છે; તેના પરથી સ્પષ્ટતા થઈ શકે ! એક પત્રકાર મિત્રના કહેવા મુજબ આ ભોજન સમારંભમાં 500 પત્રકારો ન હતા; અડધા તો ભાજપના કાર્યકરો હતા ! ગજબ છે !

પત્રકારો ખેડૂતોની વેદનાઓ વિશે બોલે છે; પોલીસ અત્યાચાર કરે ત્યારે બોલે છે; ખનીજચોરી, દારુવેચાણ અંગે બોલે છે. પરંતુ ગુજરાતમાં હાલ બેરોજગારોની શું સ્થિતિ છે? મોંઘવારી કઈ રીતે ગરીબો, મધ્યમવર્ગને ત્રાસ આપી રહી છે? ખાનગી શાળાઓ/ ખાનગી હોસ્પિટલો કઈ રીતે માફિયાગીરી કરે છે? પર્યાવરણને કેટલું કોણ નુકસાન કરી રહ્યું છે? ગિર અભ્યારણ્યની સાવ નજીક 7 સ્ટાર સુવિધાઓ સાથેનો રિસોર્ટ કેમ બન્યો છે? અને ત્યાં હેલિપેડની મંજૂરી કેમ આપવામાં આવી છે? ત્યાં હેલિકોપ્ટરમાં બેસીને ભારતરત્ન સચિન તેંડુલકર કેમ જાય છે? હેલિકોપ્ટરના વારંવારના આંટાફેરાના અવાજથી વનજીવનને ત્રાસ થઈ રહ્યો છે કે નહીં? અદાણી ખેડૂતો પર બળજબરી શા માટે કરાવે છે? અદાણી-અંબાણીને જે જમીનો સરકારે આપી છે તેનો ઉપયોગ બીજા હેતુ માટે થઈ રહ્યો છે કેમ? શા માટે ગુજરાતમાં કૃષિ પાક વીમાની સવલત નથી? શા માટે ટેકાના ભાવમાં અમુક મણ ઉપજની મર્યાદા છે? વગેરે અનેક પ્રશ્નોમાં કોઈ પત્રકાર/ મીડિયા જૂથ ઊંડા ન ઊતરે /ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ ન કરે તે માટે પત્રકારોને ભાવતા ભોજનિયા જમાડવામાં આવે છે ! કોઈ પત્રકાર કહે કે ‘હું તો બોલીશ’ તો સાવધાન થઈ જજો ! એ તંત્ર વિશે બોલશે, પણ મૂળ મુદ્દામાં જશે નહીં. અદાણી-અંબાણીને પવિત્ર ગાય માનશે !

‘સત્તા’ શા માટે પત્રકારોને ‘સાચવે’ છે? સત્તાનું સૌથી મોટું ઓક્સિજન પત્રકારો છે. આ ઓક્સિજન બંધ થાય એટલે સત્તા હાંફવા લાગે ! સત્તાને શા માટે પત્રકારોની જરુર પડે છે? [1] નેરેટિવ કંટ્રોલ : સત્તાને હંમેશા કલઈ કરવાનો, પોતાનો ચહેરો ચમકાવવાની આદત હોય છે. સત્તાપક્ષને દરરોજ એક ‘સારી વાત’ લોકો સુધી પહોંચાડવી હોય છે. જેમ કે નવી નીતિ/ નવો કાયદો/ નવી યોજના/ સફળતાના આંકડા. મીડિયા વગર આ શક્ય નથી. સરકારી મીડિયામાં લોકોને વિશ્વાસ નથી. એટલે કેટલાક સ્વતંત્ર ન્યૂઝ પોર્ટલને સરકાર સાચવે છે. કેટલાંક સ્વતંત્ર ન્યૂઝ પોર્ટલ સરકારે જ ઊભા કર્યા છે. [2] વિરોધીઓને ડિફેમ કરવા : વિરોધપક્ષનું ચરિત્રહનન કરવા/ તેમની ભૂલોનો રાઈનો પર્વત કરવો/ તેમના ભ્રષ્ટાચારને 24×7 હાઇલાઇટ કરવા માટે માનીતા/ પાળેલા/ ગોદી પત્રકારોની જરુર પડે. [3] લોકોના મૂડને નિયંત્રણમાં રાખવા : મોંઘવારી, બેરોજગારી, ખેડૂત આંદોલન જેવા મુદ્દાઓ જ્યારે ગરમ થાય, ત્યારે મીડિયાને કહેવામાં આવે કે ‘આને બહુ ન ચલાવો, તેના બદલે હિન્દુ-મુસ્લિમ, પાકિસ્તાન-ચીનનો મુદ્દો ચલાવો. મોટિવેશનલ સ્ટોરી ચલાવો.’ [4] ઇમેજ બિલ્ડીંગ અને બ્રાન્ડિંગ : નેતાને મૃદુ/ સંવેદનશીલ/ વિશ્વગુરુ/ વિકાસ પુરુષ/ લોખંડી પુરુષ બનાવવા માટે દરરોજ ટીવી-અખબારમાં તેમની તસવીર અને વખાણ જોઈએ. આ માટે પત્રકારોને સાચવવા પડે. [5] સંકટના સમયે બચાવ : જ્યારે કોઈ મોટી દુર્ઘટના બને/ પુલ પડી જાય/ બોટ ડૂબી જાય/ આગમાં લોકો કોલસો બની જાય/ ભ્રષ્ટાચાર ખૂલ્લો પડે/ હિંસા ફાટી નિકળે/ સરકારી યોજનામાં નિષ્ફળતા મળે ત્યારે પત્રકારોને ‘આને ડાઉનપ્લે કરો, સરકારનો બચાવ કરો’ એમ કહે છે. ત્યારે ભોજન ગ્રહણ કરનાર પત્રકારો મુખ્યમંત્રી/ વડાપ્રધાનનું નામ લીધા વગર માત્ર તંત્રની રિમાન્ડ લે ! [6] ચૂંટણી જીતવા માટેનું સૌથી મોટું હથિયાર : હવે ચૂંટણીમાં 50-60% કામ ટીવી ચેનલો અને વોટ્સએપ-યૂટ્યુબ દ્વારા થાય છે. જે પક્ષની પાસે વધુ ચેનલો ‘સાચવેલી’ હોય, તેની જીતની શક્યતા વધુ હોય છે. [7] ભવિષ્યમાં પણ સત્તા જાળવવા : આજે જે પત્રકારને સાચવ્યો, એ જ કાલે વિરોધી પક્ષ સત્તામાં આવે તો પણ તેની પાસે તમારો બચાવ કરશે ! ટૂંકમાં, સત્તા અને મીડિયા એકબીજા વગર અધૂરા છે સત્તા મીડિયાને પૈસા, સુરક્ષા, પ્રતિષ્ઠા આપે છે; મીડિયા સત્તાને લોકપ્રિયતા, નેરેટિવ અને સત્તા જાળવવાનું બળ આપે છે. આથી જ સત્તાધારી પક્ષ પત્રકારોને ‘સાચવે’ છે; કોઈકને લાલચ આપીને, કોઈકને ડરાવીને, કોઈકને બંનેથી.

સવાલ એ છે કે સરકાર તો આવા ભોજન જમાડે જ કેમકે તેમાં એનો સ્વાર્થ છે. સત્તા જેટલી અપારદર્શક રહે તેટલી તેમને મજા પડે છે. પરંતુ જે પત્રકારો ખેડૂતો માટે/ લોકો માટે વેદના ઠાલવતા હોય છે તેમને આવા ભોજન સમારંભમાં કોળિયો ગળે કેમ ઊતરતો હશે? દુ:ખની વાત એ છે કે પત્રકારત્વનું શિક્ષણ આપનાર પત્રકાર પણ આમાં સામેલ હતા !

ભોજન સમારંભમાં પણ મંચ સજાવવાની જરુર કેમ પડતી હશે? વળી સરકારના ખાસખાસ પત્રકારોને મુખ્યમંત્રી સાથે અલગ વ્યવસ્થા અને બાકીના પત્રકારો માટે અલગ ટેબલ વ્યવસ્થા કેમ રાખી હશે? શું આવા ભેદભાવ સામે કોઈ પત્રકારનો આત્મા જાગ્યો નહીં હોય? આ ભોજન સમારંભમાં બીજો એક ભેદભાવ એ હતો કે સરકાર વિરુદ્ધ લખનાર/ બોલનાર પત્રકારોને આમંત્રણ ન હતું; જેમ કે મયૂર જાની, દિલીપ પટેલ વગેરે. આ ભોજન સમારંભમાં મુખ્યમંત્રી કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આજુબાજુ પત્રકારો વધુ ફરતા હતા ! આ પત્રકારો સત્તાલક્ષી નહીં પણ લોકલક્ષી પત્રકારત્વ કરે છે; એવું કોઈ માનતું હોય તે ભ્રમ છે ! શું સરકારી ભોજન કરનાર પત્રકારો વંચિતો/ ગરીબો/ ખેડૂતો/ શ્રમિકો/ મહિલાઓ જેવા શોષિત અને કચડાયેલા વર્ગો માટે અવાજ ઉઠાવી શકે? સરકાર પત્રકારોને જમાડે, મોરારિબાપુ સાહિત્યકારોને જમાડે; આમાં ગુજરાતનું પત્રકારત્વ અને સાહિત્ય ક્યાંથી ઊંચું આવે?

સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે ત્યાં કોઈ વ્યક્તિગત ફોટોગ્રાફી કરી શકાતી ન હતી; માત્ર માહિતી ખાતાએ નક્કી કરેલ ફોટોગ્રાફર/ વીડિયોગ્રાફર જ ભોજન સમારંભને કવર કરી શકતા હતા; આવી સેન્સરશિપ શા માટે? લોકોથી આ ભોજન સમારંભ છૂપાવવાનું શું કારણ હશે?

પત્રકારો મૂળભૂત પ્રશ્નો કેમ ઊઠાવતા નથી? માત્ર ક્રાઈમનું રિપોર્ટિંગ કેમ કરે છે? આનો જવાબ આપણે આ ભોજન સમારંભમાંથી શોધી લેવો પડશે ! સત્તાની આલોચના કરવી અને સત્તાનું ભોજન પણ જમવું; આ કામ માટે આત્માને મારી નાખવો પડે !

BY: રમેશ સવાણી 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here