ગીર સોનાથ-કોડીનાર: આજરોજ કોડીનારના BLO શિક્ષકે સ્યૂસાઈડ નોટ લખી કે, મારાથી કોઈ પણ કાળે હવે આ SIR કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે, હું તમને બંનેને ખૂબજ ચાહું છું. પણ હવે હું ખુબ જ મજબુર બની ગયો છું. અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી. મારો આ થેલો અહી પયો છે, તેમાં બધી જ કામગીરીનુ સાહિત્ય છે. તે સ્કૂલે આપી દેજે. I am very Sorry My Dear Wife Sangita and My Loving Dear son Krishay.’ બાદમાં આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે.
ગીર સોમનાથના કોડીનારના દેવળી ગામે રહેતા યુવાશિક્ષક જે BLO તરીકે ફરજ બજાવી SIR કામગીરીના છેલ્લા કેટલાય દિવસથી સતત થાક અને દબાણથી માનસિક તણાવને લઈને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી મોત વ્હાલુ કર્યું. શિક્ષકે મોત પહેલા લખાયેલી સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં SIR ની કામગીરીથી ત્રસ્ત હોવાનો ઉલ્લેખ કર્યો છે. BLOની કામગીરીથી શિક્ષક ડિપ્રેશનમાં હોવાનો પરિવારે આક્ષેપ કર્યો. પીડિત પરિવારે ન્યાયની માંગ કરી છે.
પરિવાર અને શિક્ષણ સંઘે કહ્યું કે, બી.એલ.ઓ ની કામગીરીને કારણે શિક્ષક ડિપ્રેશનમાં હતા. અનેક શિક્ષકો આવી માનસિક યાતનાઓ ભોગવી રહ્યાં છે. પીડિત પરિવારને એક કરોડ આપવાની માંગ ગીર સોમનાથના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ વિનોદભાઈ બારડ દ્વારા કરવામાં આવી છે. ચૂંટણી પંચ ના મુખ્ય ચૂંટણી અધિકારી હારીજ શુક્લાએ આ સંદર્ભે કંઈ પણ બોલવાનો ઈન્કાર કર્યો. સમગ્ર ઘટનામાં ગીર સોમનાથ એસપી દ્વારા તપાસ ચાલુ હોવાની વાતનું રટણ કર્યું.











