કપરાડા: SIR અંતર્ગત લોકજાગૃતિ લાવવા માટે ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરી દ્વારા વ્યાપક અને અસરકારક પ્રચાર–પ્રસારનું આયોજન કરવામાં આવ્યું છે. લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને મતદારોને સશક્ત બનાવવા માટે કપરાડા વિધાનસભામાં એવી જ ઊર્જા સાથે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે
Decision News ને મળેલી જાણકારી મુજબ મતદાર યાદી સુધારણા જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સામાન્ય જનતાનો સક્રિય સહભાગ વધે અને દરેક પાત્ર નાગરિકની નોંધ સરકારી રેકોર્ડમાં સાચી રીતે થાય, એ માટે ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરીના પ્રયત્નો ખૂબ જ પ્રભાવી બન્યા છે. મતદારયાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) અભિયાનને વધુ વ્યાપક બનાવવા કપરાડા વિધાનસભાના વિવિધ વિસ્તારોના ગામડાઓના રસ્તાઓ, હાટબજારો, શાળાઓમાં SIR માહિતગાર કરવામાં આવે છે.
ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરીએ માત્ર મેદાની પ્રચાર જ નહીં, પરંતુ તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે ખાસ મતદારયાદી વિશેષ સુધારણા માટે કોલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. આ કોલ સેન્ટર દ્વારા મતદારોને ટેલિફોનિક રીતે માહિતી આપવામાં આવે છે. 10 થી 12 તાલીમ પ્રાપ્ત યુવા કન્યાઓ દ્વારા સતત ફોન કૉલ કરીને મતદાર ભાઈઓ-બહેનોને અભિયાનની સમયમર્યાદા, જરૂરી દસ્તાવેજો અને BLO સાથે સંપર્ક અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે. જીતુભાઇ ચૌધરીનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે વિધાનસભામાં કોઈ પણ પાત્ર નાગરિક મતાધિકારથી વંચિત ન રહે અને દરેક મતદારનું નામ યોગ્ય રીતે યાદીમાં સમાવેશ પામે. તેમની આગેવાની હેઠળ કપરાડા વિધાનસભા આજે મતદાર જાગૃતિના આદર્શ મોડલ તરીકે ઉભરી રહી છે.











