નવસારી: ગતરોજ નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલા મોબાઈલમાં વ્યસ્ત કાર ચાલકે બાઈકને ટક્કર માર્યાની અકસ્માતની ભયાનક ઘટના બનવા પામી હતી જેમાં બાઇક પર સવાર પિતા- પુત્રનું ઘટના સ્થળ પર જ ગંભીર ઇજા થવાના કારણે મોત નીપજ્યું હતું.
મળેલી પ્રાથમિક વિગતો મુજબ એક પિતા-પુત્ર પોતાની બાઇક પર નવસારીથી મરોલી તરફ જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલક પૂરઝડપે મોબાઈલ પર વાતો કરતો કરતો મરોલીથી નવસારી તરફ આવી રહ્યો હતો, એવા અચાનક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને સામેથી આવી રહેલ બાઇક સાથે ધડાકાભેર અથડાવી દીધી હતી. આ અકસ્માત એટલો ખતરનાક થયો કે કાર ગોળ ફરીને બ્રિજની દિવાલ સાથે અથડાઈ હતી. બાઇકસવાર પિતાનું બ્રિજ પર જ અને પુત્ર બ્રિજ પરથી નીચે પટકાતા બંનેના મૃત્યુ થઈ ગયા હતા.
આ અકસ્માતની ઘટનામાં કાર ચાલકને સામાન્ય ઈજાઓ થતાં તેને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો સંજોગની વાત એ છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઇકસવાર પિતા-પુત્ર અને કારચાલક ત્રણેય નવસારી મરોલીના જ રહવાસી હોવાનું જાણવા મળ્યું છે.











