વાંસદા: આજે વલસાડ જિલ્લાના વાંસડા ખાતે ભગવાન બિરસા મુન્ડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણીમાં લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની આગેવાની સંગઠનના અગ્રણીઓની ઉપસ્થિતિમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો ઉમટ્યા હતા.
આ પ્રસંગ આદિવાસી સમાજમાં અભૂતપૂર્વ ઉત્સાહનું કેન્દ્ર બન્યો, સાંસદ ધવલ પટેલે કહ્યું કે, “ભગવાન બિરસા મુન્ડા જેવા મહાન આદિવાસી નેતાના આદર્શો આજે પણ આપણને પ્રેરણા આપે છે. તેમનું ‘ધરતી આબા’ તરીકેનું નામ અમર છે, જે આદિવાસી સમુદાયના અધિકારો અને સ્વાભાવિક સંસાધનોના રક્ષણ માટે સમર્પિત જીવનનું પ્રતીક છે. આ 150મી જન્મજયંતિ વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા યોજાતા ‘જનજાતિય ગૌરવ વર્ષ’ના આયોજનો આપણા આદિવાસી ભાઈ-બહેનોના વિકાસને વેગ આપશે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, વલસાડ-ડાંગ જેવા આદિવાસી વિસ્તારોમાં વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપીને આદિવાસી યુવાનોને રોજગાર અને શિક્ષણના અવસરો પૂરા પાડવામાં આવશે. કાર્યક્રમમાં સંગઠનના અગ્રણીઓ, અને આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ ભાગ લીધો. આદિવાસી નૃત્ય, અને ડીજેના તાલે લોકોમાં ભારે ઉત્સાહ ઝૂમતા જોવા મળ્યા હતા. આ ઉજવણી ‘જનજાતિય ગૌરવ રથયાત્રા’નો ભાગ છે, જે 7 નવેમ્બરથી શરૂ થઈને 13 નવેમ્બરે એકતા નગર પહોંચી હતી. આદિવાસી સમાજમાં આ ઉજવણીએ નવી ઉર્જા ભરી છે.











