વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના રાણી ફળિયા ગામમાંથી વન વિભાગે દીપડાના ચામડાની હેરાફેરીના કિસ્સામાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમની શિડ્યુલ-1 મુજબ મૃત દીપડાના ચામડાના વેચાણની બાતમીના આધારે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
DECISION NEWS ને મળેલી જાણકારી મુજબ વન વિભાગને બાતમી મળી હતી કે, ડાંગ જિલ્લાના શિવારીમાળ વિસ્તારમાંથી દીપડાનું ચામડું લાવીને વાંસદાના રાણી ફળિયામાં વેચવામાં આવનાર છે ત્યારે વાંસદા પૂર્વ અને પશ્ચિમ બંને વિભાગના વન અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે રાણી ફળિયા ગામમાં દરોડો પાડીને ચામડું વેચવા આવેલા અને તેને ખરીદવા આવેલા શખ્સોને રંગેહાથ પકડી પાડયા હતા. વન વિભાગને રાણી ફળિયાના રાજેશ માધવ પણીકરના ઘરેથી દીપડાનું ચામડું મળ્યું હતું. આ કિસ્સામાં ડાંગના શિવારીમાળથી ચામડું લઈને આવેલ જયેશ રામદાસ ગાંવિત અને વડોદરાથી ચામડું ખરીદવા આવેલા કિરીટ ચંદ્રકાંત ચૌહાણ અને ગિરીશ ખુશાલ પરમારની ધરપકડ કરાઇ છે. વન વિભાગ આરોપીઓની ધરપકડ કરીને દીપડાનું ચામડું કઈ રીતે મેળવવામાં આવ્યું ? તેની હેરાફેરીમાં અન્ય કોની સંડોવણી છે ? તેની તપાસ શરૂ કરી દીધું છે.
વન અધિકારી રાઠોડ જણાવે છે કે, પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા વડોદરાના દ્વારા માહિતી આપવામાં આવી હતી કે વાંસદા ખાતે વન્ય પ્રાણી દીપડાના ચામડાની તસ્કરીનો થનાર છે. જેના માટે વોચ ગોઠવી અને વાંસદાના રાણીફળિયા ખાતે વાંસદા પૂર્વ અને પશ્ચિમ રેન્જ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવેલું, જેમાં વન્ય પ્રાણી દીપડાના ચામડાના તસ્કરી સાથે સંકળાયેલા ચાર જેટલા ઈસમોને અટક કરી દીપડાની ચામડી જપ્ત કરવામાં આવેલી છે અને આગળની તપાસ વલસાડના વડવતુના વાલા ડોક્ટર બી સુચિન્દ્રા સાહેબ, નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ અને મદદનિશ વન સંરક્ષક રુચિ દવેના માર્ગદર્શન હેઠળ વાંસદા પૂર્વ પશ્ચિમ રેન્જ દ્વારા કરવામાં આવી રહી છે.











