નવસારી: “ઇન્ડિયન સ્કૂલ ઓફ ડેમોક્રેશી” દ્વારા આયોજિત સમગ્ર ભારત દેશમાંથી પસંદગી પામેલા લીડરો 40 સરપંચોમાં નવસારીના મહુડી ગામના સરપંચ હિતેનભાઈ મહેશભાઈ પટેલનો સમાવેશ થતાં સમગ્ર વિસ્તારમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.
“ઇન્ડિયન સ્કૂલ ઓફ ડેમોક્રેશી” દ્વારા આયોજિત ગુવાહાટી, બોડોલેન્ડ અને મેઘાલય રાજ્યના શિલ્લોગ ખાતે 15 નવેમ્બરથી 23 નવેમ્બર દરમિયાન આ કાર્યક્રમ થશે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ લોકશાહી વ્યવસ્થાને ગ્રાઉન્ડ સ્તરે વધુ મજબૂત બનાવવાનો અને સ્થાનિક નેતાઓને માર્ગદર્શન પૂરૂં પાડવાનો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવાથી હિતેનભાઈને દેશભરના અનુભવી નેતાઓ સાથે શીખવા અને વિચારોનું આદાનપ્રદાન કરવાની અદભુત તક મળશે.
સરપંચ હિતેનભાઈ મહેશભાઈ પટેલ જણાવે છે કે મારું માનવું છે કે, “શીખવું, સમજવું અને બદલાવ લાવવું” એ જ નેતૃત્વની સાચી ઓળખ છે. દિલ્હીમાં આવેલી એક એનજીઓ દ્વારા દેશના અલગ અલગ વિસ્તારોમાંથી લીડરશીપના કાર્યક્રમ માટે 40 લોકોની પસંદગી કરવામાં આવી છે. “ઇન્ડિયન સ્કૂલ ઓફ ડેમોક્રેશી”ના આ વિશેષ તાલીમ કાર્યક્રમમાં સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી તે મારા માટે ગૌરવની વાત છે. આ પ્લેટફોર્મ પરથી જે કંઈ શીખવા મળશે તેનો ઉપયોગ મહુડી-પુણી-ભુનવાડીના વિકાસ માટે કરવામાં આવશે. ગુજરાતમાં મારી અને માંડવીના સરપંચ મિત્તલ ચૌધરીની પસંદગી એનજીઓ દ્વારા કરવામાં આવી છે. યુવા સરપંચ દ્વારા કરેલા કાર્યક્રમોની નોંધ લઇ એનજીઓ દ્વારા લીડરશીપના ગુનો કેળવાય તે માટે તાલીમ પણ આપશે. જે હાલમાં આસામ પંથકમાં કરવામાં આવી છે. આવી તાલીમ થકી સમાજ અને રાજકીય ક્ષેત્રે સેવાની ભાવનાનો હેતુ છે. જેની અમે અન્ય યુવાનોને પણ તાલીમ આપીને લીડરશીપ કેળવીશું.











