સુરત: કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર ભાવેશ રાહુલભાઈએ ગોડાદરા આવેલી એક હોટલના રૂમમાં પોતાની ડાયરીમાં સુસાઈડ નોટ પત્નીને સંબોધીને લખી ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળ રાજુલા અને સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા દેલાડવા ખાતેની મહા ખોડિયારનગર રેસિડેન્સીમાં 33 વર્ષીય ડોક્ટર ભાવેશ રાહુલભાઈ કવાડ રહેતા હતા. ડોક્ટર ભાવેશના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા. પત્ની એક વર્ષથી અમદાવાદ ખાતે રહે છે. ડોક્ટર ભાવેશને કોઈ સંતાન નહોતું અને કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથીક ડોક્ટર તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 7 નવેમ્બરના રોજ ડોક્ટર ભાવેશ ગોડાદરા વિસ્તારમાં આવેલા માધવ શોપિંગ સેન્ટરના ત્રીજા માળે આવેલી હોટલ નેસ્ટમાં ગયા હતા. જ્યાં તેમણે રહેવા માટે એક રૂમ બુક કર્યો. હોટલના રૂમ નંબર 8માં રાત્રિ રોકાણ કર્યું. બીજા દિવસે 8 નવેમ્બરે ચેક આઉટનો સમય થયા છતાં બહાર ન આવતા સ્ટાફે દરવાજો ખખડાવ્યો પણ દરવાજો ન ખોલતા શંકા ગઈ હતી અને પોલીસને જાણ કરી હતી. ગોડાદરા પોલીસ હોટલમાં દોડી આવી અને પોલીસ દ્વારા દરવાજો ખોલવામાં આવતા ડોક્ટર ભાવેશ મૃત હાલતમાં મળી આવ્યા હતા. સાથે જ ઇન્જેક્શન અને એક દવાની બોટલ પણ મળી આવી આ પરથી પ્રાથમિક તારણ એ નીકળ્યું કે તેમણે ઇન્જેક્શનથી દવા લઈને આપઘાત કર્યો. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું છે.
ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, ડોક્ટર ભાવેશે એનેસ્થેશિયાનો ઓવરડોઝ ઇન્જેક્શન લીધું હતું. પોતાના ડાબા હાથ પર ઇન્જેક્શન મારીને હોટલના રૂમમાં આપઘાત કર્યો હતો. પોલીસને તબીબે મરતા પહેલાં લખેલી સુસાઈડ નોટ પણ મળી છે.
પોલીસને મળેલી ડાયરીમાં શું છે..
સુસાઈડ નોટ ડોક્ટર ભાવેશે પોતાની પત્નીને સંબોધીને લખી હોવાનું જાણવા મળ્યું છે. એક ડાયરીના ત્રણ-ચાર પેજમાં અલગ અલગ શબ્દો લખ્યા છે. એક પેજમાં પત્નીનું નામ ધારા લખ્યું હતું. બીજા પેજમાં માત્ર ન્યાય લખ્યું હતું. જેથી આ તબીબે ઘર કંકાસને કારણે અંતિમ પગલું ભર્યું હોવાની પોલીસ શક્યતા વ્યક્ત કરી રહી છે.જેને લઈને ગોડાદરા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.











