ડાંગ: ડાંગના ગરીબ આદિવાસી ખેડૂતોની મહેનતની કમાણી પર ‘જેરીકો યુનિવર્સલ વર્લ્ડ’ નામની સંસ્થાએ સરકારી સબસિડી અને ખેતીના સાધનોની લાલચ આપી આહવામાં ઓફિસ ખોલી ખેડૂતો પાસેથી નાણાં ઉઘરાવ્યા બાદ શટર પાડી ગાયબ થઈ ગયાનો કિસ્સો બહાર આવ્યો છે.
“જેરીકો યુનિવર્સલ વર્લ્ડ’ નામની એક સંસ્થાએ આહવામાં ખાતે ખાનગી દુકાનમાં ઓફિસ બનાવી ડાંગના આદિવાસી ખેડૂતોને ખેતીવાડીમાં ઉપયોગી મશીનરી, બિયારણ અને અન્ય સાધનો પર સરકારી સબસિડી અને સહાય આપવાની લાલચ આપી લેભાગુ સંસ્થાએ ખેડૂતોના વિશ્વાસમાં લઇ મોટી સબસિડી મળશે એવી ખાતરી આપી, બાદમાં ખેડૂતો પાસેથી અરજી ફી અથવા અન્ય ચાર્જના નામે રસીદ આપીને રોકડી રકમ વસૂલ કરી હતી. ખેતીના સાધનો મળવાની આશામાં ડાંગના ગરીબ આદિવાસી ખેડૂતોએ ઉછીના લઈને કે પછી મહેનત-મજૂરી કરીને મેળવેલા પૈસા આ સંસ્થાને જમા કરાવ્યા બાદમાં નાણાં લઇ થોડા જ સમયમાં આ સંસ્થાએ ઓફિસનું શટર પાડી ફરાર થઇ ગઈ છે.
ખેડૂતોએ સંસ્થા અને સ્થાનિક સુપરવાઈઝરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ ફોન બંધ જણાયો હતો હવે ખેડૂતોને તેમની સાથે ઠગાઈ થઇ ગયાનો અંદાજો આવી ગયો છે ત્યારે આ સંસ્થા વિરુદ્ધ પોલીસ ફરિયાદ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે અને લેભાગુ સંચાલકો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.











