નેત્રંગ: આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી અને જનનાયક શહીદવીર ધરતી આબા બિરસા મુંડાની 150મી જન્મજયંતિ આવનાર 15 નવેમ્બરના રોજ નેત્રંગ ખાતે અભૂતપૂર્વ ભવ્યતા સાથે ઉજવાશે. જે આદિવાસી ગૌરવ અને એકતાનું જીવંત પ્રતીક બનશે.
ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં યોજાતો આ મહોત્સવ ભગવાન બિરસા મુંડાના આદર્શોને પુનઃજીવિત કરવાનો પ્રયાસ છે. બિરસા મુંડા, જેમનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડના ઉલિહાટુ ગામમાં થયો હતો, તેઓએ બ્રિટિશ વસાહતી શાસન વિરુદ્ધ ‘ઉલ્ગુલાન’ (મહાવિદ્રોહ)નું નેતૃત્વ કરી આદિવાસીઓના અધિકારો માટે જીવન અર્પણ કર્યું. તેમના ‘અભુઆ રાજ’ (આપણું રાજ) ના નારાએ આદિવાસી સમાજને જાગૃત કર્યો હતો. આજે તેમને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
આ વર્ષે, બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણીને લઈને ધારાસભ્ય વસાવાએ કહ્યું, “આ કાર્યક્રમ માત્ર ઉજવણી નથી, પરંતુ આદિવાસી સમાજની એકતા અને સંગઠિતતાનો પ્રતીક છે. નેત્રંગના સ્થાનિક આદિવાસીઓમાં આ કાર્યક્રમ વિશે અત્યંત ઉત્સાહ છે.











