નવીન: પત્રકારત્વ એટલે શું? સાચું પત્રકારત્વ એટલે માહિતી એકત્રિત કરવી, તેનું મૂલ્યાંકન કરવું અને લોકો સમક્ષ સત્યનિષ્ઠ અહેવાલ રજૂ કરવો. અહેવાલમાં ચોકસાઈ જોઈએ. તથ્યોની ચકાસણી કરેલી હોવી જોઈએ. અહેવાલ સત્ય પ્રત્યે પ્રતિબદ્ધ હોવો જોઈએ, તેમાં જાહેર હિત હોવું જોઈએ. નૈતિક ધોરણોનું પાલન થયું હોવું જોઈએ. લોકોને માહિતી આપવા, સત્તાને જવાબદાર રાખવા અને સ્વસ્થ લોકશાહીને પ્રોત્સાહન આપવાનું ધ્યેય હોવું જોઈએ. પત્રકારત્વ સ્વતંત્ર હોવું જોઈએ, સ્વતંત્રતા વિના નિષ્પક્ષતા આવે નહીં. પત્રકારત્વ જવાબદાર હોવું જોઈએ. ભૂલ થાય તો સ્વીકારવી જોઈએ. પારદર્શીતા જોઈએ. depth investigation કરવું જોઈએ. જટિલ મુદ્દાઓને સમજાવવા નિષ્ણાતોના ઇન્ટરવ્યુ પણ લેવા જોઈએ. ગાંધીજી અને ડો. આંબેડકર ઉત્તમ પત્રકાર હતા. રાજકીય/ સામાજિક વિચારધારા પ્રત્યે પ્રાથમિકતા આપતું પત્રકારત્વ હોઈ શકે.
પત્રકારત્વ શું નથી? સનસનાટી, ખોટી માહિતી, પૂર્વગ્રહ, અફવાનું તત્ત્વ ન હોવું જોઈએ. નૈતિકતાનો અભાવ ન હોવો જોઈએ. ડબલ ઢોલકીવાળું ચાપલૂસ પત્રકારત્વ ન હોય જોઈએ. ગુપ્ત એજેન્ડા ન હોવા જોઈએ. લોકશાહી મૂલ્યો/ માનવમૂલ્યોના અભાવવાળું પત્રકારત્વ ન હોઈ શકે. ‘તોડબાજ’ પત્રકારત્વ ન હોવું જોઈએ. ટૂંકમાં યલો જર્નાલિઝમ-પીળું પત્રકારત્વ ન હોઈ શકે. પીળું પત્રકારત્વ એ સનસનાટીભર્યા અને અતિશયોક્તિપૂર્ણ રિપોર્ટિંગની એક શૈલી છે, જે ઉદ્દેશ્ય અને તથ્યપૂર્ણ રિપોર્ટિંગ કરતાં આંખો ખેંચે તેવી આકર્ષક હેડલાઇન્સ, ભાવનાત્મક અહેવાલો અને મોટી સંખ્યામાં ચિત્રોને પ્રાથમિકતા આપે છે.
હાલનું પત્રકારત્વ કેવું છે? લોકલક્ષી નથી, સત્તાલક્ષી છે. સમાજના અન્ય વિભાગોનો ચેપ લાગવાથી પત્રકારત્વના નામે ‘તોડબાજી’ થાય છે. મોટા મોટા અખબારો/ મીડિયા હાઉસ સરકાર પાસેથી લાભો મેળવે છે તે જોઈને લઘુ અખબારો/ સ્વતંત્ર યૂટ્યૂબ ચેનલો પણ તોડતંત્રનો હિસ્સો બની ગયાં છે. સત્યનિષ્ઠ અને નૈતિક પત્રકારત્વ ભાગ્યે જ જોવા મળે છે. નેતાઓ / અધિકારીઓને પોતાનો ભ્રષ્ટાચાર છૂપાવવો હોય છે તેથી પત્રકારોને ‘પ્રસાદ’ આપે છે. સરકારી જાહેરખબર થકી પત્રકારોને/ તેના માલિકોને ચાપલૂસ બનાવી શકાય છે. પ્રતિષ્ઠિત અખબાર હિન્દુના પત્રકાર મહેશ લાંગા અને દિવ્યભાસ્કર ડિજિટલના પત્રકાર દીર્ઘાયુ વ્યાસ હાલ જેલમાં છે. અગાઉ પત્રકાર સૌરભ શાહ જેલ જઈ આવ્યા છે.
વડોદરા સિટી પોલીસે 31 ઓક્ટોબર 2025ના રોજ, ‘મધ્ય ગુજરાત હેડલાઈન’ ન્યૂઝના ચેરમેન ગિરીશ સોલંકીને BNS કલમ- 308(5) (ભયમાં મૂકી ખંડણી)/ 351(3) (ગુનાહિત ધમકી)/ 316(2) (ગુનાહિત વિશ્વાસઘાત) / 318(3) (છેતરપિંડી)/ 127(2) (ખોટી રીતે કેદ)/ 115(2) (ઈજા પહોંચાડવી) તથા હથિયાર ધારાની કલમ- 25(1-b)(a) / તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ-135 હેઠળ એરેસ્ટ કરેલ છે.
BY: રમેશ સવાણી











