ગુજરાત: આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 31 ઓક્ટોબર 2025ના રોજ, નારણપુરા ચાર રસ્તા ચોકડી પર સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી પરત જતા દાદર પરથી પગ સ્લિપ થઈ જવાથી ગબડી પડ્યા એનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ છે. અને લોકો એની ભરપૂર મજાક ઉડાવી રહ્યા છે. એ વીડિયો પર ફની રીએકશન અપાઈ રહ્યા છે અને ભદ્દી કમેન્ટ્સ પણ થઈ રહી છે; ત્યારે મારે એટલું જ કહેવું છે કે કોઈનો વિરોધ કરતા કરતા એ ન ભૂલો કે આપણે સૌપ્રથમ માણસ છીએ અને માણસ તરીકે બીજા માણસની તકલીફ કે પીડાને મજાક બનાવવી એ બિલકુલ યોગ્ય નથી, ચાહે એ માણસ કોઈપણ હોય.
ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે પક્ષમાં છે એ પક્ષનો વિરોધ હોય કે પછી જે વિચારધારાથી પ્રેરિત છે એ વિચારધારાનો વિરોધ હોય, એમની સરકારની નીતિઓનો વિરોધ હોય કે એમના નિર્ણયોનો વિરોધ હોય, એમની વાતોનો વિરોધ હોય કે એમના વર્તનનો પણ વિરોધ હોય; એ બધી બાબતો અલગ છે એનો મતલબ એવો નથી કે આપણે એક ઉંમરલાયક વ્યક્તિ જે કદાચ શારીરિક પીડા પણ પામ્યા હશે એમના પર આવા સમયે દોષ ઠાલવીએ કે મજાક કરીએ.
વિરોધી પછી બનજો પેલા માણસ બનો, તમારા ઘરમાં કોઈ વડીલનો આ રીતે અજાણતા પગ સ્લીપ થઈ જાય અને એમને શારીરિક નુકશાન પહોંચે ત્યારે પણ આવું કરો છો? કોઈનો વિરોધ કરતા કરતા તમારી માનવતા નેવે ન મુકાઈ જાય કમસેકમ એટલું તો ધ્યાન રાખો. આશા કરીએ એમને વધારે શારીરિક નુકશાન ન થયું હોય અને જલ્દીથી સ્વસ્થ થઈ જાય.
BY: રમેશ સવાણી
( વધુ અપડેટ માટે DECISION NEWS ના આગળના સમાચારો સાથે જોડાયેલા રહો.)











