નવસારી: તાજેતર માં જ નવસારી ગ્રીડ રોડ પર આવેલી બંધ રાઈસ મિલમાં થયેલી ડબલ હત્યાકાંડ મામલે પોલીસે આરોપી ફૈઝલ પઠાણની ધરપકડ કરી તો તેણે પૂર્વ પત્ની સુહાના અને પ્રેમિકા રિયાના ચારિત્ર્ય પર શંકા રાખી તેમની હત્યા કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે તેને 6 નવેમ્બર, 2025 સુધીના રિમાન્ડ પર લીધો છે.
નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PI અશ્વિન સરવૈયા જણાવે છે કે, આરોપી ફેઝલ પઠાણને શંકા હતી કે તેની પૂર્વ પત્ની સુહાના પઠાણ અને પ્રેમિકા રિયા અન્ય પુરુષો સાથે સંબંધ છે. આ વહેમ રાખી તેણે અલગ-અલગ સમયે બંનેની હત્યા કરી નાખી હતી. પોલીસને પૂછપરછ દરમિયાન ફૈઝલ પઠાણે જણાવ્યું કે, તેણે તેની પૂર્વ પત્ની સુહાનાની હત્યા અગાઉ જ કરી દીધી હતી.
બેવડી હત્યા કર્યા બાદ આરોપી ફૈઝલ પઠાણ બારડોલીના એક ખેતરમાં સંતાઈ ગયો હતો. પોલીસે કલાકોની શોધખોળ અને ઘણી જહેમત પછી તેને પકડી લીધો હતો. ફૈઝલ પઠાણ પાસેથી બે કીપેડ ફોન, એક એન્ડ્રોઇડ મોબાઈલ અને કેટલાક સિમ કાર્ડ મળ્યા છે, હાલમાં વધુ સઘન તપાસ કાર્યરત છે.











