ગાંધીનગર: ગતરોજ ગાંધીનગર સેક્ટર 21 સ્થિત ધારાસભ્ય નિવાસસ્થાનના વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલના એક ક્વાર્ટરમાં એક યુવક અને એક યુવતી પોલીસને મળી આવ્યાનો બનાવ સોશ્યલ મીડિયામાં ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો. જેને ટેલીફોનીક વાતચીતમાં વ્યક્તિગત બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર હોવાનું અનંત પટેલે જણાવ્યું છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ 29 ઓક્ટોબર મધ્યરાત્રિએ સેક્ટર 21 પોલીસને માહિતી મળી હતી કે ગાંધીનગરના સેક્ટર 21 સ્થિત ધારાસભ્ય ક્વાર્ટરમાં ધારાસભ્ય અનંત પટેલને ફાળવાયેલા ક્વાર્ટર એક દંપતી રહે છે. પોલીસ તાત્કાલિક ક્વાર્ટરમાં પહોંચી તપાસ દરમિયાન, ત્યાં એક યુવક અને એક યુવતી મળ્યા, સેક્ટર 21 પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. સિસોદિયા તેમને પોલીસ સ્ટેશનમાં લઇ આવ્યા અને પૂછપરછ કરી.
પોલીસ ઇન્સ્પેક્ટર સિસોદિયાએ જણાવ્યું હતું કે બંને યુવક-યુવતી એકબીજાને ઓળખે છે અને લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. તેઓ ગાંધીનગરના રહેવાસી છે. છોકરી કોલેજની વિદ્યાર્થીની છે, જ્યારે છોકરો ખાનગી નોકરી કરે છે. એવું જાણવા મળ્યું છે કે બંને ધારાસભ્યના અંગત મદદનીશ (PA) ના પરિચિત છે. પૂછપરછ દરમિયાન કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ મળી નથી. બંનેને તેમના નિવેદનો સાથે મુક્ત કરવામાં આવ્યા છે.
આ ઘટના વિષે Decision News એ અનંત પટેલ સાથે ટેલીફોનીક વાત કરી તો તેમનું કહેવું હતું કે હાલમાં દક્ષિણ ગુજરાતમાં વ્યક્તિગત બદનામ કરવાનું રાજકારણ રમાય રહ્યું છે આ એક ઉભું કરાયેલું રાજકીય ષડયંત્ર છે. ગુજરાતના બધા જ ધારાસભ્યને ગાંધીનગરમાં મળેલા ક્વાર્ટરમાં લોકો કામ અર્થે રોકાતા હોય છે. અને કામ પત્યા પછી જતાં રહે છે. એમાં કોઈ નવી વાત નથી. આ ઘટનાથી મને બદનામ કરવાનું ષડયંત્ર હતું. લોકોને પડતી મુશ્કેલીઓ, લોકોના પ્રશ્નો, લોકોની માળખાકીય સુવિધાઓ માટે હંમેશા લડતાં હોઈએ ત્યારે આવી રીતે અલગ અલગ ઘટનાઓ ઉભી કરી વ્યક્તિગત રાજકારણ કરી લોકોમાં છબી બગડવાના પ્રયાસ થતા હોય છે. પોલિસ તપાસમાં કોઈ શંકાસ્પદ પુરાવા મળ્યા નથી. બંને યુવક-યુવતીને પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યા હતા.











