ડાંગ: આહવા ખાતે કરોડોના ખર્ચે નિર્મિત આહવા સિવિલ હોસ્પિટલ હાલ ગંદકીનું સામ્રાજ્ય બની હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલના કેટલાક વોર્ડમાં દર્દીઓને પૂરતી સારવાર મળતી ન હોવાની અને ડૉક્ટરોની ગેરહાજરીની ગંભીર ફરિયાદો ઉઠી છે.
દર્દથી પીડાતા દર્દીઓ માટે ‘નરક’ બની ડાંગની આહવા સિવિલ: ગંદા ગાદલા અને સારવારના અભાવે દર્દીઓ વધુ બીમાર થવાનો ભય:
સૌથી આઘાતજનક બાબત એ છે કે દર્દીઓને બેડ પર ખરાબ અને ગંદા ગાદલા પર સુવડાવવામાં આવી રહ્યા છે, જેના કારણે બીમાર માણસ પણ વધુ બીમાર થાય તેવી ભયાવહ પરિસ્થિતિ સર્જાઈ છે.
હોસ્પિટલના વોર્ડ નંબર 123 માં પરિસ્થિતિ ખાસ કરીને વણસેલી જોવા મળી છે. અહીં દાખલ દર્દીઓના સગાં-વહાલાંના જણાવ્યા મુજબ, દર્દીઓને માત્ર બેડ પર સુવડાવી મૂકવામાં આવે છે અને કોઈ સારવાર આપવામાં આવતી નથી. એટલું જ નહીં, વોર્ડમાં ફરજ પરના ડૉક્ટરો પણ મોટાભાગે હાજર રહેતા નથી, જેના કારણે દર્દીઓ પીડાતા હોવા છતાં નિસહાય બની રહે છે.
કરોડોના ખર્ચે બનેલી આ આધુનિક હોસ્પિટલની જાળવણી અને સ્વચ્છતાની સ્થિતિ અત્યંત દયનીય છે. સમગ્ર વોર્ડમાં એટલી હદે ગંદકી છે કે સામાન્ય સ્વસ્થ વ્યક્તિ પણ ત્યાં બીમાર પડી શકે છે. પેશન્ટને જે ગાદલા પર સુવડાવવામાં આવે છે તે ફાટેલા, મેલા અને બિન-સ્વચ્છ છે, જે હોસ્પિટલના સંચાલન પર ગંભીર સવાલો ઉભા કરે છે. હોસ્પિટલની આ બેદરકારી દર્દીઓના જીવન જોખમમાં મૂકી રહી છે.
સ્થાનિક લોકો અને દર્દીઓના સગાં-સંબંધીઓએ જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગને તાત્કાલિક આ બાબતે ધ્યાન આપીને હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા, વોર્ડમાં નિયમિત ડૉક્ટરોની હાજરી સુનિશ્ચિત કરવા અને દર્દીઓને તાત્કાલિક યોગ્ય સારવાર પૂરી પાડવાની માંગ કરી છે. સવાલ એ છે કે જો કરોડોના ખર્ચે બનેલી સિવિલ હોસ્પિટલમાં જ આવી પરિસ્થિતિ હોય, તો ગરીબ અને આદિવાસી દર્દીઓએ ક્યાં જવું ?











