વાંસદા: લોકોની મુસાફરી માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.56 કે જે છેલ્લાં એક વર્ષથી વધુ સમયથી જર્જરિત, ખાડાઓથી ભરેલો અને ખતરનાક અને બિસ્માર સ્થિતિને લઈને વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ હવે લડાયક મૂડમાં આવી ગયા હોય એમ ગતરોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ચેતવણી પત્ર લખી નાખ્યો છે અને 15 દિવસનો સમય આપી આંદોલનની ચીમકી પણ આપી દીધી છે.
રોષ સાથે અનંત પટેલે જણાવ્યું હતુ કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.56 કે જે એક વર્ષથી વધુ સમયથી જર્જરિત, ખાડાઓથી ભરેલો અને ખતરનાક સ્થિતિમાં છે. આદિવાસીઓને વારંવાર જુઠા વચનો આપી કેમ ઉપેક્ષા કેમ કરવામાં આવી રહી છે ? શું વિકાસ ફક્ત શહેરો અને પસંદગીના થોડા લોકો માટે છે ? શું અમારા જીવન અને સંપત્તિની સલામતી અન્ય કોઈ માપદંડ દ્વારા માપી શકાય ? આ અન્યાય અસહ્ય છે. અમે સ્થાનિક અધિકારીઓ, માર્ગ વિભાગ અને રાજ્ય વહીવટીતંત્રને આ વિષે વારંવાર જાણ કરી છે. પરંતુ નોંધપાત્ર સમારકામ કે કાયમી પુનર્નિર્માણ શરૂ કરવામાં આવ્યું નથી. પરિણામે, નાગરિકોને રોજિંદા જોખમનો સામનો કરવો પડે છે. અને આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓ ગંભીર રીતે ખોરવાઈ છે. આથી આ પત્ર લખી અંતિમ ચેતવણી તરીકે તરીકે ધ્યાનમાં લેવા કહ્યું કેજો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56નું ઝડપી અને કાયમી સમારકામ/પુનઃનિર્માણ તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે, તો લોકો અને વાંસદા વિધાનસભાના પ્રતિનિધિ તરીકે હું ઝડપી અને નિર્ણાયક આંદોલનના રસ્તે ઉતરીશું.
આ આંદોલન લોકશાહી અને લોકો-આધારિત હશે, પરંતુ જો જરૂરી હોય તો હિંસક પ્રતિકાર તરફ આગળ વધશે. અમે અમારા જીવન, સંપત્તિ અને અધિકારો માટે મજબૂત રીતે ઊભા રહીશું. જવાબદાર મંત્રાલયો દ્વારા વહેલી તકે આ અંગે રસ દાખવવામા આવે નહી તો ઉગ્ર આંદોલન થશે.











