ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક આવેલ રાજશ્રી પોલિફિલ કંપની ( સેન્ચ્યુરી એન્કા લિમિટેડ) દ્વારા કંપનીની CSR યોજના અંતર્ગત લોકોના હિતાર્થે નિશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
Decision News ને મળેલી વિગતો મુજબ કંપની દ્વારા ઝઘડિયાની સેવારૂરલ હોસ્પિટલના સહયોગથી ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે માધ્યમિક શાળા ખાતે ગતરોજ નિશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત કેમ્પમાં આવેલ દર્દીઓ પૈકી 27 મોતિયાના ઓપેરેશનવાળા દર્દીઓમાંથી 24 મોતિયાના ઓપેરેશનની જરૂરવાળા દર્દીઓને સેવારૂરલમા હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે લઇ જવાયા હતા. ઉપરાંત ચશ્માની જરૂરિયાતવાળા 241 દર્દીઓ મળી આંખની વિવિધ તકલીફોવાળા કુલ 295 દર્દીઓને આંખ નિષ્ણાત તબીબો દ્વારા તપાસવામાં આવ્યા. આયોજિત કેમ્પનો ઉમલ્લા પંથકના ઇન્દોર સહિતના 20 જેટલા ગામોના આંખોની વિવિધ તકલીફોવાળા દર્દીઓએ લાભ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે RPL કંપની દ્વારા અવારનવાર તેની CSR પ્રવૃત્તિ હેઠળ વિવિધ લોકહિતના કાર્યક્રમ યોજાતા હોય છે, અને ઝઘડિયાની સેવારૂરલ હોસ્પિટલમાં આંખોની વિવિધ બિમારીઓની સારવાર માટે અધ્યતન સારવાર સુવિધા ઉપલબ્ધ હોઇ હોસ્પિટલની ગણના ગુજરાતની અગ્રગણ્ય આંખની હોસ્પિટલોમાં થાય છે.











