નાનાપોંઢા: આદિવાસી સાહિત્યમંચના તત્વાવધાન હેઠળ યોજાયેલા વિશિષ્ટ કાર્યક્રમમાં આદિવાસી સાહિત્યના સમૃદ્ધ ભંડારમાં ઉમેરો કરતાં સાત મહત્વપૂર્ણ પુસ્તકોનું વિમોચન નાનાપોંઢામાં કરવામાં આવ્યું. જેમાં સાહિત્યકારો, સંપાદકો, સંશોધકો, શિક્ષણવિદો તેમજ અનેક સાહિત્યરસિકોની ઉપસ્થિતિમાં રહ્યા હતા.

આ પુસ્તક વિમોચન સમારંભ માત્ર પુસ્તકોના પ્રકાશનનો કાર્યક્રમ નહોતો, પરંતુ આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને સર્જનાત્મકતા પ્રત્યેની નવી ચેતનાનો પ્રતીક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ દરમ્યાન તમામ સંપાદક તથા લેખકોને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહેમાનો દ્વારા આ પુસ્તકોને આદિવાસી સમાજના સાહિત્ય, સંસ્કૃતિ અને સંશોધનક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન ગણાવવામાં આવ્યા.

સૌપ્રથમ વિમોચન થયું “રાયસિંગ વળવીના ચર્ચાપત્રો” નામના ગ્રંથનું, જેના સંપાદનકાર છે ડૉ. અરવિંદભાઈ પટેલ અને ડૉ. સુધાબેન પટેલ. આ પુસ્તક આદિવાસી સાહિત્યના અગ્રણી સાહિત્યકાર રાયસિંગ વળવીના વિચારો, લેખો અને સંવાદોને એકત્રિત કરીને પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ કૃતિ આદિવાસી સાહિત્યના અધ્યયન માટે દિશાદર્શક સાબિત થશે.

બીજુ પુસ્તક “કોરોના ગલી” તથા ત્રીજું “કંઈ તો છે…” બંને ડૉ. બાબુ ચૌધરીની રચનાઓ છે. “કોરોના ગલી”માં કોવિડ-19 મહામારીના સમયમાં માનવ સંવેદનાની હલચલને સાહિત્યિક રૂપ આપવામાં આવ્યું છે, જ્યારે “કંઈક તો છે…” માનવીય સંબંધો, લાગણીઓ અને આત્મચિંતન પર આધારિત સર્જન છે. આ બંને પુસ્તકો આદિવાસી સમાજના આધુનિક વિચારોને સ્પર્શે છે.

ચોથું પુસ્તક “કુકણા ક્વિઝ” એક અનોખું સાંસ્કૃતિક જનરલ નોલેજ ગ્રંથ છે, જેના સંપાદનનું કાર્ય ગણેશ ગાંવિત અને જયંતિભાઈ પવારે કર્યું છે. આ પુસ્તક કુકણા વિસ્તારની સાંસ્કૃતિક, ભૌગોલિક અને લોકજીવન સંબંધિત માહિતીને રસપ્રદ રીતે રજૂ કરે છે, જે વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ માટે ઉપયોગી સાબિત થશે.

પાંચમું પુસ્તક “કુકણા લગ્નગીતો” છે, જેમાં આદિવાસી સમાજના લગ્ન પ્રસંગોના લોકગીતોનો સંકલન પ્રા. ધીરુભાઈ પટેલ (ઠાકરે) કર્યું છે. આ ગીતો લોકજીવનની આનંદમય અભિવ્યક્તિ છે અને કુકણા પ્રદેશની પરંપરાને જીવંત રાખે છે.

છઠ્ઠું પુસ્તક “કુકણા લોકગીતો” ડાહ્યાભાઈ વાઢુંના સંપાદનમાં પ્રકાશિત થયું છે. આ ગ્રંથમાં લોકજીવનની અનુભૂતિઓ, સંસ્કાર અને ઋતુપ્રેરિત ગીતોનો સુંદર સંકલન છે, જે આદિવાસી કળા અને સંગીતના મૂળ સ્વરૂપને ઉજાગર કરે છે.

સાતમું અને અંતિમ પુસ્તક “કનસરીની કથાઓ” પણ ડાહ્યાભાઈ વાઢુંના સંપાદન હેઠળ પ્રકાશિત થયું છે. આ ગ્રંથ કુકણા વિસ્તારની લોકકથાઓ, વાર્તાઓ અને પ્રાચીન દંતકથાઓનું સંકલન છે, જે નવી પેઢીને લોકપરંપરાનો વારસો સમજવા મદદરૂપ થશે.

આ સાતેય પુસ્તકો આદિવાસી જીવનની વિવિધ પરતોને સ્પર્શે છે, સંસ્કૃતિ, પરંપરા, ગીતો, કથાઓ, વિજ્ઞાન અને માનવીય અનુભવો, આ વિમોચન સમારંભે સાબિત કર્યું કે આદિવાસી સમાજ હવે પોતાના સાહિત્યિક સ્વરૂપને ઓળખી, તેને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ કરી ચૂક્યો છે. આ કાર્યક્રમ નાનાપોંઢા જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી સાહિત્ય માટે એક સ્મરણિય પળ બની રહ્યો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here