વ્યારા: તાપી જિલ્લાના પોલીસ અધિક્ષક જે. એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ વ્યારા શહેરમાં પોલીસ વિભાગ દ્વારા દિવાળીના પાવન પ્રસંગે વ્યારાના ગરીબ વિસ્તારના બાળકો અને ગરીબ પરિવારો સાથે પોલીસ કર્મચારીઓએ આનંદની દિવાળી ઉજવણી કરી..
પોલીસ અધિક્ષક દેસાઈ અને વ્યારા પોલીસ ઇન્સ્પેક્ટર બી. જી. રાવલ તથા સ્ટાફે બાળકોને ફટાકડા અને મીઠાઈ વહેંચી તો સૌ બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ અને બાળકો પોલીસ અધિકારીઓ સાથે રમતાં, હસતાં અને ફટાકડા ફોડતાં જોવા મળ્યા હતા આ પહેલનો હેતુ સમાજના દરેક વર્ગ સાથે નજીકનો માનવતાનો નાતો બાંધવાનો અને તહેવારની ખુશીઓ દરેક સુધી પહોંચે તે હતો.
પોલીસ અધિક્ષક દેસાઈએ જણાવ્યું હતું કે “પોલીસ માત્ર કાયદો અમલ કરનારી સંસ્થા નથી. પરંતુ સમાજનો એક સંવેદનશીલ હિસ્સો પણ છે. આવા પ્રસંગો દ્વારા અમને નાગરિકો સાથે આત્મીય જોડાણ બાંધવાની તક મળે છે.”આ કાર્યક્રમ દરમિયાન પોલીસ કર્મચારીઓએ બાળકોને સ્વચ્છતા, સલામતી અને ફટાકડાઓના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું.











