ચીખલી: પોલીસ ફરિયાદ મુજબ, દિલીપ નટુભાઈ રાજપુત, ઝુબેર ઇકબાલ મેમણ, ગોકુળ મોરારભાઇ વર્મા અને ધર્મેન્દ્રકુમાર મગનલાલ રાઠોડ નામના ઠગ લોકોએ જમીન વેચાણના બહાને ₹1.51 કરોડથી વધુની છેતરપિંડી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ એક નિવૃત્ત વેપારીને વિશ્વાસમાં લઈ નવસારી અને વલસાડની ચાર જમીનો પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ચીખલી પોલીસના ચોપડે નોધાયેલ ફરિયાદ મુજબ દિલીપ નટુભાઈ રાજપુત, ઝુબેર ઇકબાલ મેમણ, ગોકુળ મોરારભાઇ વર્મા અને ધર્મેન્દ્રકુમાર મગનલાલ રાઠોડ નામના આરોપીઓએ આ કાવતરું રચ્યું હતું. જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ચારેય ઠગોએ ગણદેવી તાલુકાના ઘનોરી, ચીખલીના આમધરા અને સાદડવેલ ગામની જમીનો તેમજ વલસાડ જિલ્લાના અબ્રામા ગામની બ્લોક સર્વે નંબર 259/1 (નવો બ્લોક નંબર 446) વાળી જમીન વેચવાનું નક્કી કર્યું હતું. આ જમીનોના નકલી સાટાખત અને વેચાણ દસ્તાવેજો તૈયાર કર્યા અને દસ્તાવેજોમાં સરકારી કચેરીના બનાવટી સહી-સિક્કા, જમીનના મૂળ માલિકોની ખોટી સહીઓ અને ખોટા ફોટાઓનો ઉપયોગ કરી તેને સાચા તરીકે રજૂ કર્યા. ફરિયાદી મહાવીર પ્રસાદ સુમેરચંદ જૈન પાસેથી ચારેય જમીનો પેટે કુલ ₹1,51,98,000/- લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હતી.











