વાંસદા: દિવાળીના સમયે વાંસદાના ઉનાઈ ગામમાં વાપી-શામળાજી મુખ્ય માર્ગ પરવાનગી વગર ચાલતી ફટાકડાની દુકાનનો મુદ્દો વિવાદમાં આવતાં જ રાત્રી સમયે ચક્કાજામ થઇ ગયું હતું અને આ ઘટનામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી ગયાના દ્રશ્યો જોવા મળ્યા હતા
ધારાસભ્ય અનંત પટેલે આક્ષેપ સાથે કહ્યું કે, આ દુકાનો વહીવટી તંત્રની કોઈ પરવાનગી વગર ચાલી રહી છે. માટે અમે ધરણા પ્રદર્શન કરી એમનો વિરોધ કરી દુકાન બંધ કરવાની માંગ કરી રહ્યા હતા તે દરમિયાન ભાજપના નેતાઓ પણ સ્થળ પર આવી ગયા હતા. પરિણામે, બંને પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે પોલીસની હાજરીમાં મારામારી સુધીના દ્રશ્યો ઉભા થયા હતા.
વાંસદા પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો અને પોલીસે બંને પક્ષના નેતાઓને સમજાવી મામલો થાળે પાડયો હોવાનું જાણવા મળી રહ્યું છે, પણ મોડી રાત સુધી ભાજપ કોંગ્રેસના આગેવાનો સામસામા આક્ષેપો કરતા જોવા મળ્યા હતા.
આ મામલે વાંસદાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ.આહિરે પ્રેસને જણાવ્યું કે, મામલતદાર સાથે કુલ લાયસન્સ વગરની છ જેટલી દુકાનોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે. તેમણે પુષ્ટિ કરી કે, આ કામગીરી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા, જેમાં તેમને રાત્રે સમજાવીને ટોળું વિખેરી નાખ્યું હતું.
દિવ્યભાસ્કરના પ્રકાશિત અહેવાલ મુજબ આ ઘટના બાદ વાંસદા તાલુકા ભાજપના મહામંત્રી ડો. લોચન શાસ્ત્રીએ એક વીડિયો જાહેર કર્યો હતો. તેમણે ધારાસભ્ય અનંત પટેલ પર ગરીબ વિરોધી અને હિન્દુ વિરોધી હોવાના આક્ષેપો કર્યા હતા. બીજી તરફ, ધારાસભ્ય અનંત પટેલે સ્પષ્ટતા કરી હતી કે, ઉનાઈ ગામમાં ગેરકાયદેસર અને પરવાનગી વગર મોટી ફટાકડાની દુકાન ચાલતી હતી. તેમણે મામલતદાર અને પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું, પરંતુ ભાજપના કાર્યકરોએ આ સમગ્ર કાયદેસરની પ્રક્રિયાને રાજકીય રંગ આપ્યો. તેમણે ઉમેર્યું કે, જો કોઈ હોનારત થાય તો ઉનાઈ ગામમાં અનેક લોકોને તેની અસર થાય તેમ હતી, કારણ કે ફટાકડાની દુકાનમાં કોઈ ફાયર સેફટી પણ ન હતી. આથી તેમણે કાયદેસરની પ્રક્રિયા માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને જાણ કરી હતી.











