ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે માધવપુરા ટાંકી ફળિયા ખાતે સ્ટ્રીટ લાઇટના અજવાળામાં પત્તાપાનો હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે રૂપિયા 22750/-ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હોવાનું પોલીસ જણાવ્યું હતું.
આગામી તહેવારોને લઇને જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ,તેના અનુસંધાને રાજપારડી PI એચ.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે રાજપારડના માધવપુરા ટાંકી ફળિયા ખાતે સ્ટ્રીટ લાઇટના અજવાળામાં બેસીને કેટલાક ઇસમો પત્તાપાનાનો રૂપિયાથી હારજીતનો જુગાર રમે છે.
પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે રેઇડ કરીને સ્થળ ઉપરથી જુગાર રમતા ચાર ઇસમો (1) પ્રકાશભાઇ શાંતિલાલ વસાવા રહે. માધવપુરા રાજપારડી (2) અરવિંદભાઇ શનાભાઇ વસાવા રહે. GMDC રોડ રાજપારડી (3) નિતેશભાઇ વિજયભાઇ વસાવા રહે. જીવા ભગત ફળિયું રાજપારડી તેમજ (4) હરીકિશન છીતુભાઇ વસાવા રહે. માધવપુરા રાજપારડીનાને રોકડા રૂપિયા, મોબાઇલ નંગ બે તેમજ જુગાર રમવાના પત્તાપાના સહિત કુલ રૂપિયા 22750 /-ના મુદ્દામાલ સાથે ઝડપી લઇને તેમના વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

