વલસાડ : વલસાડ જિલ્લામાં વન્યજીવોના ગેરકાયદેસર શિકાર અને વેચાણની ગંભીર ઘટના સામે આવી હતી. વલસાડ ઉત્તર વન વિભાગને ખાનગી બાતમી મળતાં જ સ્વતંત્ર પંચોની હાજરીમાં અજય માંદા પટેલ (રહે. નવેરા, તા. વલસાડ) ના નિવાસસ્થાને રેડ કરી હતી. તપાસ દરમિયાન દીપડો જે વન્યજીવ સુરક્ષા અધિનિયમ, 1972 (સુધારા 2022) ની અનુસૂચિ–1 હેઠળ સંરક્ષિત પ્રાણી છે. તેના ચારેય પંજા કપાયેલ ચામડું મળી આવ્યું હતું. જેને પગલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી મંગળવા સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ પૂછપરછમાં અજય પટેલે સ્વીકાર્યું કે, તેણે આ ચામડું સુરેશભાઈ કાશીનાથભાઈ વંજારા (ઉંમર 41 વર્ષ, રહે. માલઘર, કાસદા ફળિયું, તા. કપરાડા, જી. વલસાડ) પાસેથી વેપાર હેતુસર મેળવ્યું હતું. વધુ પૂછપરછમાં સુરેશભાઈએ જણાવ્યું કે, તે આ ચામડું માલઘર ગામના ઈહદર ફળીયામાં રહેતા સીતારામ વળવી પાસેથી લાવ્યો હતો.આ રીતે ત્રણેય વ્યક્તિઓએ મળીને દીપડાનો ગેરકાયદેસર શિકાર કરી તેનું ચામડું વેચાણ કરવાનો ગુનો આચર્યો હોવાનું બહાર આવ્યું છે.

સુરેશભાઈની વધુ તપાસ દરમિયાન તેની પાસે રહેલા થેલામાંથી પોટલામાં બાંધેલા પક્ષી અને પ્રાણીના હાડકાં પણ મળ્યા હતા. તેણે જણાવ્યું કે, આ હાડકાં દુડોના છે, જે પણ અનુસૂચિ–1 હેઠળ સંરક્ષિત પ્રજાતિ છે. વન વિભાગે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. હાલ બંને મુખ્ય આરોપીઓની જામીન અરજી વલસાડ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.વન વિભાગ, વલસાડ ઉત્તરે જાહેર જનતાને અપીલ કરી છે કે, જો કોઈ વ્યક્તિ વન્યજીવના શિકાર, ચામડાના વેપાર, વન ઉપજના ગેરકાયદેસર કાપકામ અથવા વાહન વ્યવહાર અંગે માહિતી ધરાવતા હોય, તો તાત્કાલિક નજીકની વન કચેરી અથવા હેલ્પલાઇન નંબર 1926 પર જાણ કરે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here