ધરમપુર: ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાની આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ સાથે દિવાળી પર્વની ઉજવણી કરી. તેમણે બાળકો સાથે ફટાકડા ફોડી અને આતશબાજી કરીને આનંદ વહેંચ્યો હતો.આદિવાસી પરિવારના બાળકો આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરે છે.
દિવાળી વેકેશન શરૂ થાય તે પહેલાં બાળકો પણ આ તહેવાર આનંદથી ઉજવી શકે તે માટે ધારાસભ્ય દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ધરમપુર તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના અનેક બાળકો આશ્રમ શાળામાં અભ્યાસ કરે છે. દિવાળી વેકેશનના અંતિમ દિવસે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તેમના પરિવારના સભ્યો સાથે શાળામાં પહોંચ્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે અંતરિયાળ વિસ્તારોના આદિવાસી બાળકો પણ મોંઘા ફટાકડાની મજા માણી શકે અને દિવાળીના પર્વનો આનંદ અનુભવી શકે. બાળકોના ચહેરા પર છલકાતી ખુશી જોઈને ધારાસભ્યએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. આશ્રમ શાળાના બાળકો સાથે દિવાળી ઉજવવાની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે, જે ધારાસભ્ય અને વિદ્યાર્થીઓ વચ્ચેના સ્નેહપૂર્ણ સંબંધો દર્શાવે છે.

