અંકલેશ્વર : અંકલેશ્વર નગર સેવાસદનની સામાન્ય સભામાં એજન્ડા પરના 40 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જોકે, બિસ્માર માર્ગોના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ સામાન્ય સભા પ્રમુખ લલિતા રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડીયા અને ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સભામાં 40 જેટલા કામોને સર્વાનુમતે અને બહુમતીથી મંજૂરી અપાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર નગર સેવા સદનને સ્ટેટ એર ક્લીન પ્રોગ્રામ અંતર્ગત ફાળવવામાં આવેલી ₹10 કરોડની ગ્રાન્ટના કામોની પણ નોંધ લેવામાં આવી હતી.આ ઉપરાંત, અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગોના સમારકામના કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી.
જવાહરબાગ સામે આવેલા સિનિયર સિટીઝન પાર્કનું નામ સરદાર પટેલ પાર્ક અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ સ્વામી વિવેકાનંદ રાખવાનો નિર્ણય પણ લેવાયો હતો.વિપક્ષ કોંગ્રેસે શાસકો પર બહુમતીના જોરે કામો પાસ કરાવી દેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે અંકલેશ્વરમાં બિસ્માર માર્ગોને કારણે ધૂળિયું વાતાવરણ સર્જાયું છે, જેનાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કોંગ્રેસે તાત્કાલિક માર્ગોના સમારકામની માંગ કરી હતી.

