અંકલેશ્વર: અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં 12 ખેડૂતોને ખેતીવિષયક સાધનોનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમ વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસેવા યાત્રાના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 7 થી 15 ઓક્ટોબર દરમિયાન ગુજરાતભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે 14 ઓક્ટોબરને કૃષિ વિકાસ દિન તરીકે મનાવવામાં આવ્યો હતો.ખેતીવાડી વિભાગ, અંકલેશ્વર દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવા અભિગમોથી પરિચિત કરાવવાના ઉદ્દેશ્ય સાથે આ મહોત્સવનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પા પટેલ અને તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અંકલેશ્વર તાલુકાના 12 લાભાર્થી ખેડૂતોને ટ્રેક્ટર અને ખેતી વિષયક સાધનોના પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કૃષિ મહોત્સવમાં 12 જેટલા કૃષિ વિષયક સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા, જે ખેડૂતોને નવીનતમ જાણકારી પૂરી પાડી રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here