વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આ કેસમાં આરોપી શંકર વળવીની ધરપકડ કરવામાં આવી છે. રિમાન્ડ પૂરા થતાં તેને જુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ પારડી વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરાની તબિયત બગડતાં તેના પરિવારજનોએ વિવિધ સ્થળોએ સારવાર કરાવી હતી. તબિયતમાં સુધારો ન થતાં તેઓ કપરાડા તાલુકાના આસલોણા ગામે રહેતા શંકર વળવીના ઘરે આવેલા દેવળમાં સારવાર માટે પહોંચ્યા હતા.
પરિવારના સભ્યો બાળકી સાથે ત્રણ દિવસ સુધી ત્યાં રોકાયા હતા. ત્યારબાદ શંકર વળવીએ તેમને જણાવ્યું કે, બાળકીને સાજી થવામાં સમય લાગશે અને તેઓ ઘરે પરત ફરે, બાળકી સાજી થયા બાદ તે તેને મૂકી જશે. આથી પરિવાર બાળકીને દેવળમાં મૂકી પારડી પરત ફર્યો હતો.આ તકનો લાભ ઉઠાવી શંકર વળવીએ બાળકીને મોટરસાયકલ પર બેસાડી ગામની સીમના ડુંગર પર લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બીજા દિવસે બાળકી ઘરે પરત ફર્યા બાદ તેણે તેની માતાને સમગ્ર ઘટના જણાવી હતી.આ બનાવની જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક 181 અભયમ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો.
અભયમની ટીમે કપરાડા પોલીસને જાણ કરતા, પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે BNS-2023ની કલમ 64(જે), 65(1), 68(એ) તથા પોક્સો અધિનિયમ, 2012ની કલમ 3(એ) અને 4 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.આરોપી શંકર વળવી ખ્રિસ્તી ધર્મનું પાલન કરતો હતો અને પોતાના ઘરે નાનું ચર્ચ બનાવી આસપાસના ગામના બીમાર લોકોને પ્રાર્થના દ્વારા સારા કરતો હોવાનો દાવો કરતો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લા આઠ વર્ષથી તે આ પ્રવૃત્તિ કરતો હતો. જોકે, તેણે ઘરે બનાવેલું ચર્ચ ખ્રિસ્તી સમાજની કોઈ સંસ્થા કે સંગઠન સાથે સંકળાયેલું ન હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે આરોપી શંકર વળવીની ધરપકડ કરી હતી. તેના રિમાન્ડ પૂરા થતાં તેને હાલ જુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

