ભરૂચ: ભરૂચ જિલ્લાનો ઝઘડિયા તાલુકો વિપુલ માત્રામાં ખનિજ સંપદા ધરાવતો તાલુકો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર પણ અનેક સિલિકા પ્લાન્ટો પર્યાવરણની મંજુરી વિના રાફડો ફાટી નિકળ્યો છે જેના કારણે ગ્રામ્ય રસ્તાઓને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે.
અમુક ખનિજ માફિયા રેત માફિયા ખનીજને પોતાના બાપની જાગીર સમજી વારંવાર સ્થાનિક પ્રજાને કનડગત કરતા રહે છે અસંખ્ય સિલિકા પ્લાન્ટ દ્વારા ખેડૂતો ઉપર એક તરફી અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. એવું જ કંઈક રાજપારડી જીએમડીસી રોડ પર આવેલી માંડોવી મિનરલ દ્વારા સિલિકા રેતી વોશિંગ કરેલ દૂષિત પાણી ખેતરમાં છોડી દેવાની ઘટના સામે આવી છે.
દૂષિત પાણી ખેતરમાં છોડી દેવાની ઘટનાને કારણે ખેડૂતોના ઉભા પાક અને પશુઓના ઘાસચારાને વ્યાપક નુકસાન થયું છે સાથે સાથે ખેતીની જમીનની ફળદ્રુપતાને નુકસાન પહોંચ્યું છે તેવા અહેવાલ મળી રહ્યા છે. આ સમગ્ર મામલે ભીમપોર ગામના ખેડૂતો અને ગ્રામજનોએ સખત વિરોધ નોંધાવ્યો છે અને સિલિકા વોશિંગ કરતી માંડોવી મિનરલ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

