અંકલેશ્વર: અંકલેશ્વર GIDC પોલીસે સુરક્ષા સેતુ સોસાયટી સાથે મળીને સિનિયર સિટીઝન માટે કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનારમાં વયસ્ક નાગરિકોને સાયબર ફ્રોડ અને તેમની સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું.
Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમ અંકલેશ્વર GIDC પોલીસ મથકના પી.આઈ. આર.એચ. વાળા અને ભરૂચ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટીના બિન-સરકારી સભ્ય તથા જિલ્લા સુરક્ષા અધિકારી ચંદન વસાવાની અધ્યક્ષતામાં યોજાયો હતો. સેમિનાર GIDCમાં આવેલા સિનિયર સિટીઝન હોલ ખાતે યોજાયો હતો.
સેમિનારમાં વયસ્ક નાગરિકો સાથે સાયબર ફ્રોડ સહિતના ગુનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસે એકલા રહેતા વૃદ્ધો અને દંપતીઓને ખાતરી આપી હતી કે પોલીસ હંમેશા તેમની પડખે ઊભી રહેશે અને તેમની સુરક્ષા માટે કટિબદ્ધ છે.

