વલસાડ: વલસાડના જાણીતાં કાયદાશાસ્ત્રી અને રણભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ કેયુર પટેલ દ્વારા નવચેતન ઢોડિયા સમાજ ભવન ખાતે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં ટોપટેનમાં ઝળકેલ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવેલ. જેમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ ન્યાયાધીશ જી.બી.પોપટ, પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, નવચેતન ઢોડિયા સમાજ ભવન પ્રમુખ સુમન કેદારીયા, મહામંત્રી નરેન્દ્ર પટેલ, ખેતીવાડી અધિકારી ભગુ પટેલ, મોટિવેશનલ સ્પીકર ગૌરાંગ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત સિવિલ સર્જન ડો. પ્રતીક પટેલ, ગુજરાત યોગ બોર્ડ પ્રીતિ પાંડે, નેવીના ભૂતપૂર્વ અધિકારી પ્રતાપ પૂજારી, તન્મય ટ્રસ્ટના ડો. દીપેશ શાહ સહિત 500 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ પટેલે જણાવ્યું હતું કે આયોજકો દ્વારા હોનહાર વિદ્યાર્થીઓના સન્માનનો જે કાર્યક્રમ યોજ્યો છે તે ખુબ જ પ્રશંસનીય છે અને અમે વિદ્યાર્થીઓને પણ અપીલ કરી છે કે આવનાર સમયમાં દેશનું નામ રોશન થાય એવા કામો કરજો અને ગરીબ બાળકોના ઉદ્ધાર માટે પણ પ્રયત્નશીલ રહેજો.

વકીલ કેયુર પટેલ અને સુમન કેદારીયા તેમજ ગૌરાંગ પટેલે રાષ્ટ્ર્રના નિર્માણ માટે શિક્ષણ અનિવાર્ય છે એમ સમજાવી દેશના વિકાસ માટે વ્યસનથી દૂર રહેવાની અને સંગઠિત રહેવાની અપીલ કરી હતી. તેમજ રણભૂમિ કો.ઓપ.ક્રેડિટ સોસાયટી દ્વારા યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની અને રણભૂમિ એપનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું હતુ. કાર્યક્રમનું સફળ સંચાલન નલિની અનિલ પટેલ, નિલેશભાઈ, અશ્વિનભાઇ, ધર્મેશભાઈ, અનિલભાઈ, પરેશભાઈ, મયુરભાઈ, સુનિલભાઈ, શીતલબેન, પુષ્પાબેન સહિતનાઓની ટીમે ખુબ જ સફળતાપૂર્વક કર્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here