મધ્યપ્રદેશ: છિંદવાડામાં ‘Coldrif cough syrup’થી બાળકોના મૃત્યુનો આંકડો 9 ઓક્ટોબર 2025ના રોજ 22 સુધી પહોંચ્યો છે. પાંચ બાળકો ગંભીર હાલતમાં નાગપુરમાં હોસ્પિટલમાં દાખલ છે. મરણ પામેલ બાળકો દોઢથી અઢી વર્ષના છે.
આ સિરપ બનાવતી કંપનીનું નામ છે Sresan Pharma. આ સિરપ તામિલનાડુના Kanchipuramમાં બને છે. મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી રાજેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતું કે “આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં બાળકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં છિંદવાડા, પંધુર્નામાં અને બેતુલમાં પણ બાળકોનો સમાવેશ થાય છે. સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. Coldrif cough syrup બનાવતી કંપનીના માલિકની ધરપકડ કરવા માટે છિંદવાડા પોલીસ ટીમો ચેન્નાઈ અને કાચીપુરમ પહોંચી છે.”
તપાસમાં જાણવા મળ્યું છે કે ડૉ. પ્રવીણ સોની સહિત કેટલાક ખાનગી ડોકટરોએ બાળકોને ‘કોલ્ડ્રિફ’ સીરપ લખી હતી. સીરપ પીધાના કલાકોમાં જ, બાળકોની કિડની ખરાબ થવા લાગી, અને તેમની સ્થિતિ સતત બગડતી રહી. તબીબી પરીક્ષણોમાં સીરપમાં ઝેરી રસાયણોની હાજરીની પુષ્ટિ થઈ, જે શરીરમાં પ્રવેશતા જ કિડનીને નુકસાન પહોંચાડે છે. બાળકો કિડની ફેલ્યોરથી મૃત્યુ પામ્યા.
Double-engine સરકારે પાંચ મેડિકલ સ્ટોર્સ સીલ કરી દીધા છે અને શંકાસ્પદ સીરપના નમૂના લેબ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. વધુમાં, ગામડાઓમાં જાહેરાત કરવામાં આવી રહી છે જેથી લોકોને બાળકોને કોઈપણ પ્રકારની કફ સીરપ ન આપે.
છિંદવાડા જિલ્લાના ઘણા ગામોમાં શોક અને ભયનું વાતાવરણ છે. જ્યાં એક સમયે બાળકોનું હાસ્ય ગુંજતું હતું, હવે ત્યાં શાંતિ અને આંખોમાં આંસુ છે. નાગપુરમાં દાખલ થયેલા બાળકોના પરિવારો દિવસ-રાત હોસ્પિટલોમાં ચિંતામાં ડૂબેલા છે.
મધ્યપ્રદેશમાં કફ સિરપ પીવાથી બાળકોના જીવ ગયા. રાજસ્થાનમાં શાળાની છત તૂટી પડતાં બાળકોના જીવ ગયાં. ઉત્તરપ્રદેશમાં ઓક્સિજનના અભાવે બાળકોના જીવ ગયાં. બિહારમાં મધ્યાહન ભોજન ખાધા પછી બાળકોના જીવ ગયાં. મહારાષ્ટ્રમાં હોસ્પિટલની સારવારમાં બેદરકારીને કારણે બાળકોના જીવ ગયાં. દરેક ચૂંટણીમાં ધર્મ, જાતિ અને નફરતના નામે મત આપીશું તો આપણને મોત જ મળવાનું છે ! આપણને વિશ્વગુરુનું અફીણ માફક આવી ગયું છે. મિથ્યાભિમાનમાંથી બહાર નીકળતા નથી. આપણે વિકાસના ગીતો ગાઈએ છીએ. રોજેરોજ અખબારોમાં/ ટીવીમાં વડાપ્રધાનની વાહવાહી જોઈએ છીએ. સરકાર એક્ટિવિસ્ટને/ પત્રકારોને જેલમાં પૂરી શકે છે, પરંતુ દવાવામાં/ ખોરાકમાં ભેળસેળ કરનારને જેલમાં પૂરી શકતી નથી. 22થી વધુ બાળકોનો ભોગ લેવાય પછી જ સરકાર જાગે છે. દુ:ખની બાબત એ છે કે આપણે ભેળસેળ વગરની દવા/ ખોરાકની વ્યવસ્થા કરી શકતા નથી ! સવાલ એ છે કે શું લોકોએ ક્યારેય બાળકોના શિક્ષણ, આરોગ્ય અને ભવિષ્યના નામે મતદાન કર્યું છે ?
( શ્રી રમેશભાઈ સવાણીજીના ફેસબુક એકાઉન્ટમાં લખેલ લેખમાંથી..)

