નર્મદા: વર્ષોની લડત અને જન આંદોલનોના પરિણામે નર્મદા જિલ્લાના 361 શિક્ષકને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો ઐતિહાસિક હુકમ થયો છે. 1.4.2005 પહેલાના શિક્ષકોના જુની પેન્શન યોજનામાં સમાવેશ થતાં જિલ્લાના શિક્ષણ જગતમાં ખુશીનો માહોલ છવાયો છે.શિક્ષણ વિભાગ દ્વારા આ હુકમ 10 ઓક્ટોબરે કરવામાં આવતાં શિક્ષકોને દિવાળીના તહેવાર પૂર્વે એક અમૂલ્ય ભેટ મળી હોય તેવો આનંદ વ્યક્ત થઈ રહ્યો છે.
નર્મદા જિલ્લા પ્રાથમિક સંઘના પ્રમુખ સુરેશભાઈ ભગતના નેતૃત્વમાં શિક્ષકોએ જૂની પેન્શન યોજનાની માગણી માટે જન આંદોલનો કર્યા હતા. આ લડતમાં તાલુકા, જિલ્લા, ઝોન, રાજ્યથી લઈને દિલ્હી સુધીના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. વર્ષ 2022ના આંદોલનો અને વખતોવખતની રજૂઆતોને અંતે આ સફળતા પ્રાપ્ત થઈ છે.નાંદોદ તાલુકા સંઘના પ્રમુખ સુનિલ ચાવડાએ શરૂઆતમાં દરખાસ્તો તૈયાર કરવા માટે તમામ તાલુકાઓને માર્ગદર્શન પૂરું પાડયું હતું.
દરખાસ્તો રજૂ કરવાની તારીખ જાહેર થતાં મંત્રી અનિલ વસાવા, જિલ્લા સંઘના મહામંત્રીઓ સુરેશભાઈ વસાવા, ફતેસિંગભાઈ વસાવા, કરણભાઇ વસાવા, અને જયંતીભાઈ બારિયાએ ગાંધીનગર ખાતે જઈને ચકાસણી કરાવી દરખાસ્તો જમા કરાવી હતી.સંઘના હોદ્દેદારોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવે, નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રભાત રાઠવા સહિત રાજ્ય સંઘના પ્રમુખ-મંત્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.આ હુકમ બાદ હવે આગામી સમયમાં જૂની પેન્શન યોજનામાં સમાવેશ થયેલ તમામ 361 શિક્ષકોના જનરલ પ્રોવિડન્ટ ફંડ ખાતા નંબર ફાળવવામાં આવશે અને તેમના પગારમાંથી GPF કપાતની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે.

