નવસારી: નવસારીના કંબાડા ગામમાં જમીન સંપાદન પેટે મળેલા ₹56.40 લાખની રકમ હડપી લેવા બદલ બે વ્યક્તિઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. 73 વર્ષીય વૃદ્ધની અસહાયતાનો લાભ લઈને આરોપીઓએ આ રકમ ગેરકાયદેસર રીતે પડાવી લીધી હતી. નવસારી ગ્રામ્ય પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.ફરિયાદી બચુભાઈ હળપતિની ફરિયાદ મુજબ, કંબાડા ગામમાં તેમના સંયુક્ત કુટુંબના નામે આવેલી જમીન વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે માટે સંપાદિત કરવામાં આવી હતી. આ જમીન સંપાદન પેટે મોટી રકમ મળવાની હતી. આ રકમનો ગેરકાયદેસર કબજો મેળવવાના ઈરાદે, આરોપીઓ સતીષભાઈ રમણ હળપતિ અને દેવશંકર નારાયણચંદ્રએ ફેબ્રુઆરી-માર્ચ 2021માં ગુનાહિત કાવતરું રચ્યું હતું. બંને આરોપીઓએ ફરિયાદીના વૃદ્ધાવસ્થા અને બેસહારાપણાનો ગેરલાભ ઉઠાવ્યો.
આરોપીઓ ફરિયાદીને વિશ્વાસમાં લઈ પ્રથમ વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંકની સાતેમ શાખામાં લઈ ગયા હતા. ત્યાં સતીષ હળપતિએ પોતાને સાક્ષી તરીકે દર્શાવી, બચુભાઈના ખાતામાં બીજા ખાતેદાર (જોઈન્ટ એકાઉન્ટ હોલ્ડર) તરીકે પોતાનું નામ દાખલ કરાવ્યું અને બેંક ખાતાની તમામ માહિતી પોતાની પાસે રાખી લીધી.ત્યારબાદ, જમીન સંપાદનના નાણાં સરકારી બેંક ઓફ બરોડામાં ખોલાવવા પડશે. તેવી ખોટી માહિતી આપી, તેઓ ફરિયાદીને બેંક ઓફ બરોડાની ભુલા ફળિયા (ખડસુપા બોર્ડિંગ) શાખામાં લઈ ગયા અને તેમનું બેંક ખાતું ખોલાવડાવ્યું. આખરે, સંપાદનની કુલ રકમ ₹56,40,268 આરોપીઓએ પોતાના નામે ખોલાવેલા વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંકના જોઈન્ટ બેંક એકાઉન્ટમાં મેળવી લીધી.
જ્યારે ફરિયાદીએ પોતાની માલિકીના નાણાં પરત માંગ્યા, ત્યારે આરોપીઓએ તેમને ધમકી આપી હતી. તેમને કહેવામાં આવ્યું કે, “જે થાય તે કરી લેજે, હવે કોઈ રૂપિયા નહીં મળે. અમારું કશું બગાડી નહીં શકે. હવે જો રૂપિયા માંગવા આવીશ તો હાથ-પગ ભાંગી નાખી જાનથી મારી નાખીશું.”આરોપીઓએ આજદિન સુધી ફરિયાદીના નાણાં પરત ન આપી તેમની સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઠગાઈ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો છે. નવસારી ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવસારી ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈ એમ.એલ. સૈયદ આ મામલે તપાસ કરી રહ્યા છે. હાલમાં આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી બાકી છે.

