નવસારી : મણસને માટે જે રીતે ‘રક્તદાન’, ‘દેહદાન’ જરૂરી છે તેજ રીતે ‘ચક્ષુદાન’ પણ ખુબ જ મહત્ત્વનું દાન છે. સમાજના ઘણાં લોકો અકસ્માત યા અન્ય કારણે દૃષ્ટિ ગુમાવે છે અને દૃષ્ટિ વિના મુશ્કેલીમાં છે. તેઓને ‘આંખ’ની જરૂરિયાત છે. આ સ્થિતિમાં ચક્ષુદાન થકી મેળવેલ ‘ચક્ષુ’ આવા જરૂરિયાતમંદો માટે ખુબ મહત્ત્વનું છે.
નવસારીમાં રોટરી આઇ હોસ્પિટલની ‘સંત પુનિત ચક્ષુબેંક’ નવસારી પંથકમાં લોકોને પુન: દૃષ્ટિ આપવામાં અગ્રેસર રહી છે. મળતી માહિતી મુજબ નવસારીની રોટરી આઇ હોસ્પિટલે 1978ના અરસામાં ચક્ષુ માટે ચક્ષુબેંક શરૂ કરી હતી, જેનું નામ ‘સંત પુનિત ચક્ષુબેંક’ આપવામાં આવ્યું હતું. છેલ્લા 47-48 વર્ષથી કાર્યરત ચક્ષુબેંકમાં હાલ સુધીમાં 34634 ચક્ષુ મેળવ્યા છે જેના થકી 8337 લોકોને પુન:દૃષ્ટિ આપી શકાઇ છે.
ઉલ્લેખનીય છે કે ચક્ષુદાન થકી મેળવેલ ચક્ષુઓમાં કેટલાક ડીસ્કાર્ડ પણ થાય છે, કેટલીક તબીબોને પ્રેકટીશમાં પણ અપાય છે. નવસારીની ચક્ષુબેંકની ગણના અને કામગીરી રાજ્યની ટોચની ચક્ષુબેંકોમાં થાય છે.રોટરી આઇ અને સંત પુનિત ચક્ષુબેંક લોકોમાં ચક્ષુદાન અંગે જાગૃતિ લાવવા રેલીઓ સહિત અન્ય કાર્યક્રમો પણ કરે છે. જેની અસર થાય છે અને લોકો ચક્ષુદાન કરવા પ્રેરાય પણ છે.

