વલસાડ: વલસાડ તાલુકાના સુરવાળા ગામમાં ભારે વરસાદ અને મીની વાવાઝોડાને કારણે 98 મકાનોને નુકસાન થયું હતું. આ પૈકી 14 લાખ રૂપિયાની સહાય જિલ્લા અને તાલુકા પંચાયત મારફતે ચૂકવવામાં આવી છે. રાજ્ય સરકારે 7 દિવસમાં અરજદારોના ખાતામાં સહાય જમા કરાવી છે.
સરકારના નિયમો મુજબ સહાય ચૂકવવામાં આવી રહી છે. વલસાડ તાલુકાના બાકી રહેલા 10 ગામોમાં આશરે 100 લાભાર્થીઓને થયેલા નુકસાનનું સર્વેક્ષણ ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયત મારફતે અંદાજે 10 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવશે. ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવશે કે ખેતીના પાકને અને માછીમારોને હોડીમાં થયેલા નુકસાનની સહાય પણ આગામી દિવસોમાં ચૂકવવામાં આવે.
Decision News ને મળેલી માહિતી મુજબ સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલ, રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, DDO અતિરાગ ચપલોત અને પ્રાંત અધિકારી વિમલ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવી મુખ્યમંત્રીને અસરગ્રસ્તોને સહાય ચૂકવવા વિનંતી કરી હતી. સરકારના આ નિર્ણય બદલ ધારાસભ્ય ભરતભાઈ પટેલે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

