સોનગઢ: સોનગઢ પ્રયોજના વહીવટદાર કચેરી હેઠળ આદિજાતિ વિકાસના નાની સિંચાઇ વિભાગ હેઠળના બોરવેલના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર એ. ચૌધરીએ કર્યો છે.
ડૉ. તુષાર એ. ચૌધરીએ આ મુદ્દે આદિજાતિ વિકાસ કમિશનરને પત્ર લખીને તટસ્થ તપાસની માગ કરી છે. તેમનો આક્ષેપ છે કે લગભગ ₹2 કરોડના 100થી વધુ કામો ટેન્ડર પ્રક્રિયાને બદલે બારોબાર એક ખાનગી એજન્સીને ફાળવી દેવામાં આવ્યાં છે. સોનગઢ તાલુકા પંચાયત કચેરીને ફાળવવામાં આવેલા આ સિંચાઇના કામો ટેન્ડર પ્રક્રિયા દ્વારા કરવાની હતી પણ સોનગઢના તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા આ કામોને ટેન્ડરથી કરાવવાને બદલે ગ્રામ પંચાયતો મારફતે કરાવ્યા છે.
કામો વાસ્તવમાં ગ્રામ પંચાયતોને બદલે ખાનગી એજન્સીને બારોબાર સોંપી દેવાયા હતાં. પત્રમાં જણાવાયું છે કે ગ્રામ પંચાયતે પોતે કરવાના થતા કામો પેટા કોન્ટ્રાક્ટરની જેમ આ એજન્સી પાસે કરાવડાવ્યા છે, જે નિયમોનું સીધું ઉલ્લંઘન છે. આ સમગ્ર પ્રકરણમાં પ્રયોજના વહીવટદારની કચેરી, તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયત અને ખાનગી એજન્સીની મિલીભગત છે. સોનગઢમાં નાની સિંચાઇ વિભાગના મોટા ભાગના કામો અધૂરા છે, છતાં સત્તાવાર રેકર્ડ પર તેને પૂર્ણ બતાવી દેવાયાની શંકા છે.

