વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વિભાજન બાદ નવો નાનાપોંઢા તાલુકાની કચેરીઓની વિધિવત શરૂઆત થઈ છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ સહિત વલસાડ જિલ્લાના રાજ્ય અને સામાજિક અગ્રણીઓ સાથે અધિકારીઓની હાજરીમાં કપરાડા તાલુકાની નવા મામલતદાર કચેરી અને નાનાપોંઢા તાલુકા પંચાયત કચેરીનો ગતરોજ આરંભ કરવામાં આવ્યો.
કચેરીનો આરંભ કરવામાં આવતા લોકોમાં ઉત્સાહ છવાયો છે. મહત્વપૂર્ણ છે કે ભૌગોલિક રીતે કપરાડા તાલુકો ખૂબ મોટો વિસ્તાર હતો.જેમાં 128 ગામો હતા. જોકે હવે તાલુકાના વિભાજન બાદ નવા નાનાપોંઢા તાલુકામાં કુલ 49 જેટલા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પારડી તાલુકાના કેટલાક ગામો અને વાપી તાલુકા તમામ ગામોનો આ નવા નાનાપોંઢા તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ નવા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીની શરૂઆત થતાં જ હવે નાનાપોંઢા અને આસપાસના વિસ્તારના ગામના લોકોને સરકારી કામ માટે કપરાડા સુધી જવું નહીં પડે અને ગામની નજીક જ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાંથી થતા કામો સરળતાથી અને ઝડપી થઈ શકશે. સાથે જ વિકાસથી વંચિત રહી ગયેલા ગામોનો પણ ઝડપી વિકાસ થશે તેવુ લોકો માની રહ્યા છે.

