વલસાડ: વલસાડ જિલ્લાના વાપીના સલવાવ ખાતે ગત રાત્રે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે તેણે આજુબાજુના 5 થી 7 ગોડાઉન અને નજીકમાં ઉભેલા એક ટેમ્પોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.પ્રાથમિક અનુમાન પ્રમાણે આગ સલવાવ વિસ્તારમાં આવેલા ડીજીવીસીએલના થાંભલા પર શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.

પવનના કારણે આગ વધુ વિકરાળ બની હતી અને ઝડપથી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને અગ્રણીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.આગને કાબૂમાં લેવા માટે વાપી ફાયર બ્રિગેડ, વાપી ટાઉન પોલીસ અને વાપી વીજ કંપનીની ટીમને જાણ કરવામાં આવી હતી. વાપી ફાયરની 3 થી 4 ગાડીઓ સ્થળ પર પહોંચીને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ ગોડાઉનમાં રાખવામાં આવેલા પ્લાસ્ટિકના ભંગારને કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી હતી.આગ વધુ વિકરાળ બનતા વાપી જી.આઈ.ડી.સી., વાપી નોટિફાઇડ એરિયા, વલસાડ ફાયર ફાઇટર, સરીગામ ફાયર અને અન્ય કંપનીઓના ફાયર ફાઈટરોની પણ મદદ લેવામાં આવી હતી. એક તરફ આ આગની ઘટના બની હતી, તો બીજી તરફ શુક્રવાર સવારથી વાપી મનપાની પાણીની મેન લાઈનમાં ભંગાણ પડતા રીપેરીંગ કામગીરી ચાલી રહી હતી, જેના કારણે વાપી મનપા વિસ્તારમાં પાણી પુરવઠા પર અસર પડી હતી.