વલસાડ: જિલ્લામાં દિવાળીના આગામી તહેવારોના દિવસો પહેલાં રસ્તા પર ઢોરનો પ્રશ્ન ગંભીર બન્યો છે. વલસાડમાં રખડતાં ઢોરનો અસહ્ય ત્રાસ વધી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસ કાર્યકરે ઢોર પકડવાની કાર્યવાહી નહિ કરવા મામલે અને નવી પાંજરા પોળ બનાવવા ફરિયાદ કરી છે.વલસાડ પાલિકા વિસ્તારમાં ચોમાસા દરમિયાન ઠેર ઠેર રખડતા ઢોર રસ્તા વચ્ચે બેસી ટ્રાફિકને અવરોધ ઉભો કરી વાહનચાલકો અને રાહદારીઓ સામે અકસ્માતનું જોખમ વધારી રહ્યા છે.
આ મામલે નાગરિકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.દરમિયાન કોંગ્રેસ કાર્યકર કાંતિભાઇ દ્વારા મુદ્દો ઉઠાવ્યો છે.રસ્તે રખડતાં ઢોર તોફાને ચઢી લોકોને ઇજા પહોંચાડતા રોકવા માટે તેને તાત્કાલિક પકડવા અને પાંજરે પુરવા જરૂરી હોવાનો મામલો રજૂ કરાયો હતો. ઢોર રખડતા મૂકીને માલિકો રાત્રે હાંકીને લઇ જાય છે.આ અંગે ચીફ ઓફિસર સમક્ષ સ્વાગત કાર્યક્રમની ફરિયાદમાં રજૂઆત થઇ છે.
જો કે દિવાળીના આગામી તહેવારો પૂર્વે પાલિકા ઢોરની સમસ્યાનો પ્રશ્નનો કઇ રીતે ઉકેલ લાવે તેના પર નજર છે.પાલિકા પાસે ઢોરને રાખવા જગ્યા નથી વલસાડ પાલિકા હદ વિસ્તાર સાથે લાગૂ ગામડાઓના પશુઓ શહેરના રસ્તા ઉપર ભટકે છે જ્યાં લોકોને અકસ્માતનો ભય સતાવે છે છતાં તેનો કાયમી ઉકેલ નથી,કારણ એ છે કે વલસાડ નગરપાલિકા પાસે ઢોરને રાખવા માટે પાંજરાપોળની વ્યવસ્થા નથી.પાંજરાપોળ અને ઢોરના નિભાવ ખર્ચ પાલિકા પહોંચી વળે તેમ પણ નથી.જેથી સરકાર દ્વારા ગ્રાન્ટો મળે તે જરૂરી છે.











