ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના જરસાડ ગામે માધુમતી ખાડીમાંથી એક 65 વર્ષીય વૃધ્ધનો જર્જરિત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કાંટોલ ગામના 65 વર્ષીય જયંતીભાઇ ત્રિકમભાઇ વસાવા તા.28 મીના રોજ ડુંગર વિસ્તારમાં પશુઓ ચરાવવા ગયા હતા,ત્યારબાદ તેઓ ઘરે પાછા ન ફરતા પરિવારજનો દ્વારા તેમને શોધવા છતાં કોઇ ભાળ મળી નહતી.
આ બાબતે તે સમયે ઉમલ્લા પોલીસમાં જાણવાજોગ ફરિયાદ લખાવવામાં આવી હતી. ત્યારબાદ આજરોજ તા.3 જીના રોજ રાજપારડી નજીકના જરસાડ ગામ પાસે માધુમતી ખાડીમાંથી ડી કમ્પોઝ હાલતમાં એક વૃધ્ધ ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતની જાણ પાંચેક દિવસ પુર્વે લાપતા થયેલ જયંતીભાઇના પરિવારને કરવામાં આવતા તેમનો પૌત્ર અને પરિવારજનો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ખાડીમાંથી મળેલ ડી કમ્પોઝ હાલતનો મૃતદેહ તેમના દાદા જયંતીભાઇનો હોવાનું જણાવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ તા.28 મીના રોજ કાંટોલ ગામના જયંતીભાઇ વસાવા પશુઓ ચરાવવા ગયા હતા તે દરમિયાન માધુમતી ખાડીમાં તણાઇ જઇને પાણીના વહેણ સાથે દુર જરસાડ ગામ સુધી ખેંચાઇ જતા તેમનું મોત થયું હશે એમ જાણવા મળ્યું હતું. ઘટના સંદર્ભે મૃતકના પૌત્ર નિલેશભાઇ સુરેશભાઈ વસાવા રહે.ગામ કાંટોલ તા.ઝઘડિયા જિ.ભરૂચનાની જાણવાજોગ ફરિયાદ મુજબ રાજપારડી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.











