વલસાડ: વલસાડમાં રાજ્યના વેરા વિભાગે કેટલાક ગરબા આયોજકોને કેઝયુઅલ ડીલર તરીકેની નોંધણી અંગે નોટિસો પાઠવી છે. ગરબા કાર્યક્રમો દરમિયાન થતી આર્થિક લેવડદેવડ છતાં કેઝયુઅલ ડીલર તરીકે નોંધણી ન કરાવવાના મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે.
વેરા વિભાગ દ્વારા અપાયેલ નોટિસ મુજબ, CGST ACT-2017 હેઠળ કેઝ્યુઅલ ડીલર તરીકે નોંધણી ફરજિયાત છે અને કરવેરાની ચૂકવણી કરવાની જવાબદારી પણ આવે છે. નોટિસમાં જણાવાયું છે કે, જો આયોજકોએ પહેલેથી નોંધણી નંબર મેળવ્યો હોય તો તેની વિગત સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, વલસાડ ખાતે તાત્કાલિક રજૂ કરવી પડશે.વલસાડના જાણીતા રંગતાળી ગ્રુપને પણ નોટિસ અપાઈ છે, જેમાં CGST નંબર તથા કેઝયુઅલ ડીલર તરીકેની વિગતો માંગવામાં આવી છે.
વેરા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, CGST ACTની કલમ 27(1) તથા (3) હેઠળ કેઝયુઅલ ડીલર તરીકે નોંધણી ફરજિયાત છે અને વેરાકીય જવાબદારી અદા કરવી પડે છે.નોટિસમાં ઉલ્લેખ કર્યો છે કે, CGST NOTIFICATION 11/2017 મુજબ દર્શાવેલા ટેક્સ રેટ પ્રમાણે કરવેરો ભરવો પડશે. આગામી દિવસોમાં અન્ય આયોજકો સામે પણ આવી જ કાર્યવાહી હાથ ધરાઈ શકે છે. ગરબા આયોજકો હવે વેરા વિભાગના આદેશને અનુરૂપ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા તૈયારી કરી રહ્યા છે.











