કપરાડા: કપરાડા તાલુકામાંથી નાનાપોઢા તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નાનાપોઢા તાલુકાની નવી કારોબારીની રચના કરવામાં આવી. આ પ્રસંગે કપરાડા તાલુકાની પણ કારોબારી બેઠક યોજાઈ હતી. બંને તાલુકાઓમાં નવા હોદ્દેદારોની વરણી થતા શિક્ષક સમાજમાં આનંદનું વાતાવરણ જોવા મળ્યું હતું.નાનાપોઢા તાલુકામાં અધ્યક્ષ તરીકે ડૉ. બાબુભાઇ ચૌધરી, મહામંત્રી ગોવનભાઈ પટેલ, સંઘઠન મંત્રી ચીમનભાઈ પટેલ અને મહિલા સંઘઠન મંત્રી સુમિત્રાબેન પટેલની નિમણૂક કરવામાં આવી હતી. બીજી તરફ કપરાડા તાલુકાની કારોબારીમાં મહામંત્રી તરીકે પ્રકાશભાઈ નિકુળિયા તથા સંઘઠન મંત્રી તરીકે કાશીરામ ધૂમની નિમણૂક કરવામાં આવી.
આ પ્રસંગે ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ રામુભાઈ પઢેર, તેમજ વલસાડ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો અધ્યક્ષ અજીતસિંહ ઠાકોર, મહામંત્રી રામુભાઈ પટેલ, સંઘઠન મંત્રી કિરણભાઈ પટેલ, પ્રચાર-પ્રસાર મંત્રી ડૉ. વિલ્સનભાઈ, અને આંતરિક ઓડિટર જયેશભાઇ ગાવીત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વાપી તાલુકાના અધ્યક્ષ શીતલભાઈ પટેલ, પારડી તાલુકાના અધ્યક્ષ કેશવભાઈ રોહિત, તથા મોટી સંખ્યામાં તાલુકાના હોદ્દેદારો અને શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં નવા હોદ્દેદારોને ફુલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા અને અભિનંદન પાઠવાયા હતા. ઉપસ્થિત આગેવાનો દ્વારા પોતાના વક્તવ્યમાં શિક્ષક સમાજના હિત માટે સંઘની એકતા જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂકાયો. તેમણે જણાવ્યું કે નાનાપોઢા તાલુકો નવો રચાતા અહીં શિક્ષકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને ઉકેલવા પ્રયત્ન કરાશે. સાથે જ કપરાડા તાલુકામાં પણ સંઘને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કરાયો.
કારોબારી બેઠક દરમિયાન શિક્ષણ ક્ષેત્રના તાજા મુદ્દાઓ તથા સંઘની આગાહી પ્રવૃત્તિઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી. શિક્ષકોએ પોતાના અનુભવ વહેંચી શિક્ષણ વ્યવસ્થાને વધુ પ્રબળ બનાવવા એકજૂટ રહેવાની પ્રતિજ્ઞા લીધી.આ પ્રસંગે નવા હોદ્દેદારોને સંઘના જવાબદારીપૂર્વક કાર્ય કરવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા ઊંચી કરવા, શિક્ષક વર્ગના હિતોને જાળવી રાખવા અને વિવિધ શૈક્ષણિક પ્રશ્નો માટે રાજ્ય તેમજ જિલ્લા સ્તરે સંઘર્ષ કરવા નવા હોદ્દેદારોને આગ્રહપૂર્વક આહ્વાન કરાયું હતું.અંતમાં આગેવાનો તથા હાજર સભ્યોએ નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી. નવા હોદ્દેદારોએ પણ પોતાના સંક્ષિપ્ત વક્તવ્યમાં શિક્ષક હિત માટે કાયમી સક્રિય રહીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી.નાનાપોઢા તાલુકાની આ નવી રચના અને કપરાડાની કારોબારી બેઠક સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘને વધુ મજબૂતી મળ્યાનો અનુભવ ઉપસ્થિતોમાં જોવા મળ્યો હતો.











